ડીસામાં ભારે વરસાદથી 300 જેટલા ખેતરો બેટમાં ફેરવાયા

Share

જિલ્લાના ડીસા પંથકમાં આજે વહેલી સવારે પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કંસારી પાસે માર્ગ પર પણ બે-બે ફૂટ સુધી પાણી ભરાઇ જતા વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. જ્યારે ભારે વરસાદના કારણે મોટાભાગના મગફળીનું વાવેતર કરેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા જતા ખેડૂતો મોટું નુકસાન થયું છે.

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં છેલ્લે છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે, અનેક જગ્યાએ નુકસાન થયું છે. ખાસ કરીને ડીસામાં આજે વહેલી સવારે ત્રણ કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેને કારણે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. અનેક ઘરોમાં પાણી ઘુસી જતા લોકોના માલસામાનને નુકસાન થયું છે. જ્યારે આખોલ હાઈવે પર આવેલી સો જેટલી દુકાનોમાં પાણી ઘુસી ગયું હતું.

[google_ad]

આ ઉપરાંત કંસારીના આજુબાજુના વિસ્તારોમાં પણ ધમાકેદાર પડેલા વરસાદના કારણે તબાહી સર્જાઇ છે. અહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પર પાણી ભરાઇ જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જ્યારે મોટાભાગના ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા.

[google_ad]

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજી બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, અરબ સાગરના ઉત્તરમાં સર્જાયેલા લો પ્રેશરના પરિણામે રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ બની રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરુચ અને સુરત જિલ્લામાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી હતી.જ્યારે 29 અને 30 સપ્ટેમ્બર સાઉથ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

[google_ad]

અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે. કંસારી પંથકમાં અંદાજિત 300 જેટલા ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

[google_ad]

રાજ્યમાં અત્યારે 81 ટકા જેટલો વરસાદ વરસ્યો છે અને હજી 19 ટકા વરસાદની ઘટ છે. આજે પણ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

 

From – banaskantha Update


Share