બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી લાખો રૂપિયાનું નુકશાન

Share

બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે પણ વરસાદ ન થતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. ખેતરોમાં કરેલું વાવેતર પણ હવે વરસાદ ન થતાં ઉભો પાક બળી રહ્યો છે. જેના કારણે ખેડૂતોએ લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો છેલ્લા કેટલાંક વર્ષોથી કુદરતી આપત્તિઓનો સામનો કરતો આવ્યો છે. અતિવૃષ્ટિ હોય કે પછી અનાવૃષ્ટિ, તીડ આક્રમણ હોય કે પછી ઇયળોનો ઉપદ્રવ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને તો નુકશાન વેઠવાનો જ વારો આવે છે. આ વર્ષે પણ બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી સિઝનનો માત્ર 28 ટકા જેટલો વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઇ છે. તેમાંય છેલ્લા એક માસથી વરસાદ ન થતાં ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો ઉભો પાક બળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી બનાસકાંઠામાં વરસાદ ઘટી રહ્યો છે. જેથી ભૂગર્ભ જળ પણ ઉંડા જઇ રહ્યા છે. પાંચ વર્ષ પહેલા જ્યાં પાણી 500 થી 700 ફૂટે મળતું હતું તે પાણી હવે 1200 ફૂટ સુધી પણ મળતું નથી. વળી છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ ઘટવાના કારણે જીલ્લામાં બનાવેલા ત્રણ જળાશયો પણ અત્યારે ખાલીખમ થઇ ગયા છે અને આ વર્ષે પણ ચોમાસામાં નહીવત વરસાદ થતાં ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલો પાક પણ પાણીના અભાવે બળી રહ્યો છે. વરસાદના અભાવે બનાસકાંઠા જીલ્લામાં બાજરી, એરંડા અને મગફળી જેવા પાકને મહત્તમ નુકશાન થયું છે.

[google_ad]

વરસાદના અભાવે ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસુ વાવેતર પણ ઘટ્યું હતું. બનાસકાંઠા જીલ્લામાં 5.60 લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. પરંતુ વરસાદ સમયસર ન થતાં મોટાભાગનો પાક બળવાની કગાર પર આવી ગયો છે. ખાસ કરીને ડીસા, લાખણી, વાવ, થરા, સૂઇગામ અને દિયોદર પંથકમાં તો વરસાદ નામ પૂરતો જ થયો છે. તેવામાં મોટાભાગના ખેતરો લીલાછમ થવાને બદલે સૂકા ભટ્ટ બની ગયા છે. જા કે, હવે વરસાદ આવે તો પણ બળી ગયેલો પાક પાછો ઉભો થઇ શકે તેમ નથી. જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવું પડ્યું છે. એક તરફ સરકાર 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો અને ખેતરોની સ્થિતિ કંઇક અલગ જ ચિત્ર બતાવે છે.

[google_ad]

આ અંગે જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષે ચોમાસામાં વરસાદ ન થતાં પાકને મોટું નુકશાન થયું છે. બનાસકાંઠા જીલ્લામાં હાલ વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. સતત વરસાદ ખેંચાતાં બનાસકાંઠા જીલ્લાના અનેક તાલુકાઓમાં હાલ પાક નિષ્ફળ થઇ રહ્યો છે. તેમ છતાં પણ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવતો નથી. જેના કારણે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.’

[google_ad]

આ અંગે બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે, ‘સરકાર માત્ર વાતો જ કરે છે. બનાસકાંઠા જીલ્લા માટે ગુજરાત સરકારે કશું જ વિચાર્યું નથી. જોવિચાર્યું હોત તો બનાસકાંઠા જીલ્લાના જીવાદોરી સમાન ત્રણેય જળાશયોમાં નર્મદા નહેર મારફતે પાણી નખાયું હોત. પરંતુ સરકારે બનાસકાંઠા જીલ્લાવાસીઓ માટે કશું જ વિચાર કર્યો નથી.’

 

From – Banaskantha Update


Share