ડીસાના ખેંટવા નજીક 2 પિતરાઇ ભાઇઓને મારમારી, લૂંટ ચલાવી 4 અજાણ્યા શખ્સો થયા ફરાર

Share

ડીસા તાલુકાના ખેંટવા ગામ નજીક બે પિતરાઇ ભાઇઓ મોટર સાઇકલ લઇને બુધવારની મોડી રાત્રે ભીલડી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ખેંટવા રોડ ઉપર સેણલ ફાર્મ હાઉસ બોર્ડની બાજુમાં ચાર અજાણ્યા શખ્સોએ મોટર સાઇકલને રોકાવી મારમારી મોબાઇલ ફોન, રૂ. 9,500 રોકડા અને ડુપ્લીકેટ લાયસન્સ લઇને ધારદાર હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભીલડી તરફ ફરાર થઇ ગયા હતા. આ અંગે ભીલડી પોલીસ મથકે ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા-ભીલડી હાઇવે ઉપર પર છેલ્લા એક માસથી લૂટારૂ ગેંગની ટોળકી સક્રીય થઇ છે. ત્યારે છેલ્લા એક માસમાં ત્રણ બનાવો બન્યા છે. ત્યારે ડીસા તાલુકાના ખેંટવા ગામમાં રહેતાં કીરણભાઇ ડાહ્યાભાઇ નાઇ અને કિરણભાઇ પસાભાઇ નાઇ બંને પિતરાઇ ભાઇઓ બુધવારની મોડી રાત્રે મોટર સાઇકલ નં. GJ-08-BK-2983 લઇને માતાજીની જાગરણ હોવાથી દૂધની થેલીઓ લેવા અર્થે ખેંટવાથી ભીલડી તરફ જઇ રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન ખેંટવા રોડ ઉપર સેણલ ફાર્મ હાઉસ બોર્ડની બાજુમાં બે બજાજ પલ્સર મોટર સાઇકલ પ્લેટ વગરના 4 અજાણ્યા શખ્સો ઉભા હતા. 4 શખ્સોએ મોટર સાઇકલને રોકાવી તમે કેમ હોર્ન મારો છો તેમ કહી મારકૂટ કરવા લાગ્યા હતા અને હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને પિતરાઇ ભાઇ કીરણભાઇ પસાભાઇ નાઇ પાસેથી મોટર સાઇકલની ચાવી લેવાની કોશિષ કરતાં આપી ન હતી.

[google_ad]

જેથી ઝપાઝપી અને મારકૂટ વચ્ચે ખીસ્સામાંથી એક મોબાઇલ ફોન કિંમત રૂ. 15,000, રૂ. 9,500 રોકડા અને ડુપ્લીકેટ લાયસન્સ લઇને ધારદાર હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ભીલડી તરફ અજાણ્યા 4 શખ્સો ફરાર થઇ ગયા હતા. આ અંગે ભીલડી પોલીસ મથકે 4 અજાણ્યા લૂંટારુ ગેંગ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share