જે બાળક માટે ‘મિશન વિવાન’ ચલાવ્યું તેનું દુઃખદ મૃત્યુ થતા અરેરાટી વ્યાપી

Share

અમદાવાદ: ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા કોડિનારના વિવાન વાઢેરનું નિધન થયું છે. અમદાવાદ ખાતે બાળકનું અચાનક નિધન થયું છે. આજે સોલા સિવિલ હૉસ્પિટલ ખાતે વિવાનનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે. જે બાળક માટે ગુજરાતના લોકો રૂપિયા 16 કરોડનું ફંડ એકઠું કરવા માટે રસ્તા પર આવ્યા હતા તેવા વિવાનના અચાનક નિધનથી બાળકના પરિવારજનો જ નહીં પરંતુ તમામ લોકો દુઃખી છે.

[google_ad]

વિવાનના નિધન સાથે છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ દુઃખદ અંત આવ્યો છે. વિવાનના પિતાના જણાવ્યા પ્રમાણે વિવાનની અંતિમક્રિયા ગામડે કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે વિવાનને બચાવવા મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે વિવાનની સારવાર માટે એકઠી થયેલી તમામ રકમ સેવાકીય કામ પાછળ વાપરવામાં આવશે.

[google_ad]

ઉલ્લેખનીય છે કે 4 મહિનાનો વિવાન વાઢેર ખૂબ જ દુર્લભ બીમારી SMA-1થી પીડિત હતો. ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના આલીદર ગામના વતની પરિવારના ચાર મહિનાના બાળક વિવાનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત હતી. આ માટે ‘મિશન વિવાન’ ચલાવવામાં આવી રહ્યું હતું. જે અભિયાન અંતર્ગત 2 કરોડથી વધુની રકમ પણ એકઠી થઈ ગઈ હતી.

[google_ad]

વિવાનના માતાપિતા તેના બાળકને બચાવવા માટે સતત લોકોને મદદ કરવા માટે અપીલ કરી રહ્યા હતા. જોકે, રૂપિયા 16 કરોડ એકઠા થાય તે પહેલા જ વિવાનનું અચાનક નિધન થયું છે. વિવાન એસએમએ ટાઇપ-1 એટલે કે સ્પાઇનલ મસ્ક્યૂલ એટ્રોફી (SMA-1) નામની ગંભીર બીમારીથી પીડિતો હતો. ગુજરાતના બીજા એક બાળક ધૈર્યરાજને પણ આવી જ બીમારી હતી. ધૈર્યરાજ માટે પણ રૂપિયા 16 કરોડ એકઠા કરવા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. 16 કરોડ એકઠા થયા બાદ મુંબઈની હૉસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવી રહી છે.

[google_ad]

વિવાનના પિતા અશોકભાઈ વાઢેર ગીર-સોમનાથનાં આલીદર ગામ ખાતે રહે છે. તેઓ કચ્છમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

[google_ad]

તમામ ફંડ સેવાકીય કામ માટે વાપરીશું: વિવાનને બચાવવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત હાલ બે કરોડથી વધારે રકમ એકઠી થઈ છે. આ મામલે વિવાનના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે, વિવાનને બચાવવા માટે એકઠું થયેલું તમામ ભંડોળ સેવાકીય કામમાં વાપરવામાં આવશે. વિવાનની અંતિમક્રિયા ગામડે કરવામાં આવશે. આ સાથે જ તેમણે હવે વિવાન માટે કોઈ જ ક્રાઉડ ફન્ડિંગ ન કરવાની અપીલ કરી છે. અશોકભાઈ વાઢેરે વધુમાં જણાવ્યું હતું કે, વિવાન અમર થઈ ગયો છે. અમે તેના નામ પર ટ્રસ્ટ બનાવીશું.

[google_ad]

વિવાનના પિતા અશોકભાઈએ મદદ કરનાર તમામ લોકો અને સામાજિક સંસ્થાઓનો આભાર માન્યો હતો. અત્યારસુધી ‘મિશન વિવાન’ હેઠળ 2 કરોડ છ લાખથી વધુની રકમ એકઠી થઈ છે. વિવાનના પિતા અશોકભાઈએ એન્જિનિયરિંગ કર્યું છે. આથી તેમણે સરકારને અપીલ કરી છે કે તેમને સરકારી નોકરી મળે.

 

From – Banaskantha Update


Share