ડીસામાં કતલખાના અને માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા જીવદયાપ્રેમીઓએ નાયબ પોલીસ અધિક્ષક સહીતને આવેદનપત્ર આપ્યું

Share

ડીસામાં કતલખાના અને માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા સોમવારે જીવદયાપ્રેમીઓએ ડીસા નાયબ પોલીસ અધિક્ષક, ડીસા નગરપાલિકા પ્રમુખ, ડીસા નગરપાલિકા ચીફ ઓફીસર, ડીસા નાયબ કલેક્ટર, મદદનીશ કમિશ્રર-ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-બનાસકાંઠા અને પ્રાદેશિક અધિકારી-પાલનપુર રીઝીનલ ઓફીસ-ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આવેદનપત્ર આપી કતલખાના બંધ કરાવવા રજૂઆત કરાઇ હતી.

[google_ad]

ડીસામાં ગેરકાયદેસર રીતે પશુઓની અને પક્ષીઓની કતલ કરીને મોટાપાયે રોગચાળો ફેલાય અને લોકોનું આરોગ્ય જોખમમાં મૂકાય તેવી રીતે ખુલ્લેઆમ માંસ અને માંસની બનાવટોનું વેચાણ થઇ રહ્યું છે. માંસના ઉત્પાદન, પ્રોસેસિંગ, સંગ્રહ અને વેચાણ સાથે સંકળાયેલા ધંધાદારીઓ ખુલ્લેઆમ ભંગ કરીને કાયદાકીય જોગવાઇ મુજબના નગરપાલિકા, ફૂડ વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વગેરે પાસેથી મેળવવા પડતાં લાયસન્સ, રજીસ્ટ્રેશન કે કંસેટ સિવાય અને સ્વચ્છતા, સલામતીના ધારા ધોરણનું પાલન કર્યાં સિવાય પર્યાવરણીય કાયદાઓ, પ્રદૂષણના કાયદાઓ, પશુઓ ઉપર અત્યાચાર અંગેના કાયદાઓ અને ભારતીય ફોજદારી ધારાની જોગવાઇઓનો ભંગ કરીને જાહેરમાં ક્રૂરતાપૂર્વક પશુઓની કતલ કરીને તેના માંસનું જાહેરમાં વેચાણ કરે છે.

[google_ad]

આ માંસના ઉત્પાદકો બીમાર પશુઓની પણ કોઇપણ જાતની વેટરનરી ડૉક્ટર દ્વારા તપાસ કર્યાં સિવાય કતલ કરીને આવા બીમાર પશુઓનું માંસ વેચાણ કરે છે. પશુઓની કતલ કર્યાં બાદ આવા પશુઓનું માંસ માણસને ખાવા લાયક છે કે, તે અંગે કોઇ પણ જાતની વેટરનરી ડૉક્ટર દ્વારા કે લેબોરેટરીમાં તપાસ કર્યાં સિવાય માંસ વેચવામાં આવે છે. ડીસામાં ચાલતી માંસની દુકાનો અને હોટલોમાં ફૂડ સેફ્ટી અને પશુઓ ઉપર અત્યાચાર અટકાવવાના કાયદાઓ અને નિયમોથી વિરૂધ્ધ રીતે દુકાનોમાં જ પશુઓની કતલ કરવામાં આવે છે. જીવતાં પશુઓ અને પક્ષીઓ દુકાનોમાં રાખવામાં આવે છે.

[google_ad]

ડીસામાં આવેલી માંસની દુકાનોમાં ખુલ્લામાં રસ્તા ઉપરથી દેખાય તેવી રીતે માંસ લટકાવેલું હોય છે અને આડેધડ રસ્તા ઉપર અને ગટરોમાં માંસ, હાડકા, લોહી જેવા પશુઓની કતલમાંથી ઉત્પન્ન થતો વેસ્ટ નાખી દેવામાં આવે છે. જેના કારણે રખડતાં કૂતરાઓ, બિલાડીઓ, ઉંદરો અને અન્ય પશુ-પંખીઓ સડેલું અને રોગિષ્ટ માંસ ખાઇને રોગોનો શિકાર બને છે. જેના કારણે માણસોમાં પણ રોગ ફેલાવવાની શક્યતા વધી જાય છે. રસ્તા ઉપર ફેંકવામાં આવતાં માંસના ટુકડાઓના કારણે વાયરલ અને બેક્ટેરીયલ રોગો ફેલાવવાની શક્યતા ખૂબ વધી જાય છે. જ્યારે પશુઓમાંથી માનવ જાતમાં વાઇરસ અને બેક્ટેરીયાના ટ્રાન્સમિશનથી માણસ જાતે અનેક ભયંકર મહામારીઓ ભોગવવી પડે છે. માનવ જાતને રોગચાળાથી બચાવવા માટે અને ભવિષ્યમાં કોઇ મહામારી ન ફેલાય તે માટે પણ માંસના ગેરકાયદેસર ઉત્પાદન, પ્રોસેસ અને વેપાર કરતાં એકમો તાત્કાલીક બંધ કરવા માંગ કરાઇ છે.

[google_ad]

 

જ્યારે પોલ્ટ્રી ફાર્મ અને મરઘાના માંસનું વેચાણ કરતાં યુનિટોમાં પણ કોઇ જાતની હાઇજીન અને સેનીટેશનની વ્યવસ્થા હોતી નથી. જ્યાં માંસનું વેચાણ થાય છે. ત્યાં જ જીવતા મરઘા રાખવામાં આવે છે અને અન્ય મરઘાઓ જોઇ શકે તેવી રીતે કતલ કરીને કોઇપણ જાતના વૈજ્ઞાનિક પરીક્ષણ સિવાય માંસનું વેચાણ કરવામાં આવે છે.

[google_ad]

પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના અને માંસ મટનની હાટડીઓ ધમધમી રહી છે. ત્યારે સોમવારે ડીસાના જીવદયાપ્રેમીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ગેરકાયદેસર રીતે ચાલતાં કતલખાના અને જાહેરમાં માંસ મટનની હાટડીઓ બંધ કરાવવા માટે લેખિત રજૂઆત કરાઇ હતી.

[google_ad]

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમ છતાં વેપારી મથક ડીસા શહેરમાં પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરીને લોકોનું આરોગ્ય જોખમમાં મૂકાય તેવી રીતે માંસનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવે છે. જેથી જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ અને લાગણીઓ દુભાઇ રહી છે. જ્યારે ડીસાના રીસાલા બજારમાં જીવદયાપ્રેમી અને એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ફોફાણી, છબીલભાઇ સોનેથા, રમેશભાઇ જેઠવા, કમલેશભાઇ દેસાઇ, પરેશભાઇ પંચાલ, રાજુભાઇ પરમાર અને જીવદયાપ્રેમી કાર્યકરોની બેઠક યોજાઇ હતી.

[google_ad]

જેમાં પશુઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરતાં અસામાજીક તત્વો સામે તાત્કાલીક કાયદેસર કાર્યવાહી કરીને અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા માટે ડીસા નાયબ પોલીસ અધિક્ષક, ડીસા નાયબ કલેકટર, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ડીસા નગરપાલિકાના ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઇ ગઢવી, મદદનીશ કમિશ્રર-ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-બનાસકાંઠા અને પ્રાદેશિક અધિકારી-પાલનપુર રીઝીનલ ઓફીસ-ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરાઇ હતી.

[google_ad]

Advt

આ અંગે ડીસાના એડવોકેટ ધર્મેન્દ્રભાઇ ફોફાણીએ જણાવ્યું હતું કે ‘ડીસામાં અસામાજીક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે પશુઓ અને પક્ષીઓનું કતલ કરી લોકોનું આરોગ્ય જોખમાય તે રીતે માંસ મટનનું વેચાણ કરે છે. આથી તંત્રએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.’

 

From –Banaskantha Update


Share