પાલનપુરમાં ભૂખી ગાયો ડંમ્પિગ સાઈટ પર પ્લાસ્ટિકનો કચરો ખાવા મજબૂર બની : 10 ગાયોના મોત

- Advertisement -
Share

પાલનપુરની માલણ દરવાજા ડંમ્પિગ સાઈટ પર પ્લાસ્ટિક વાળો કચરો ખાતા દસ દિવસમાં 10 ગાયો મોતને ભેટી છે. જીવદયા પ્રેમીઓને જાણ થતાં હાલમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાયોના મોત મામલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરનો કચરો ડંમ્પિગ સાઇટ પર ઠાલવવામાં આવે છે. ભૂખથી કણસતી ગાયો ડંમ્પિગ સાઇટ પર ખોરાકની શોધમાં પહોંચે છે. ત્યારે પ્લાસ્ટિક યુક્ત કચરાનો ખોરાક ખાવા મજબૂર બની મોતને ભેટે છે. છેલ્લા ઘણા વર્ષોથી ગાયો મોતને ભેટી રહી છે.

[google_ad]

 

પરંતુ રખડતી ગાયોની સમસ્યાનો કોઈજ ઉકેલ નીકળ્યો નથી. બીજી તરફ પાલિકા તંત્ર પોતાની જવાબદારીમાં ઉણી ના ઉતરતા શહેરમાં પણ ગંદકી અને કચરાના કારણે હાલત નર્કાગાર જેવી બની છે. માલણ દરવાજાની ડંમ્પિગ સાઇટ પર 10 જેટલી ગાયોના મોત નિપજ્યા બાદ પણ નગરપાલિકા તંત્ર હજુ સુધી ઘોર નિદ્રામાં જોવા મળ્યું છે. તેથી લોકો દ્વારા જાણ થતાં જીવદયા પ્રેમીઓએ અત્યારે સેવાકીય કાર્ય શરૂ કર્યું છે. પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો તેમજ નગરસેવકો ગાયોની પૂજા અને મહત્વ સમજાવી ગૌમાતા વિશે સૂફીયાણી વાતો કરે છે. પરંતુ તેને જીવનમાં ઉતારી સાચા અર્થમાં ગૌમાતાની સુરક્ષા અને સેવામાં આગળ આવે તે ઈચ્છનીય છે.

[google_ad]

 

ગુજરાતમાં ગૌમાતાના નામે રાજકારણ કરીને પોતાના રાજકીય રોટલા શેકતા નેતાઓ ગૌમાતાની સુરક્ષા અને વ્યવસ્થા માટે સદંતર નિષ્ફળ સાબિત થયા છે. ચૂંટણી સમયે ગાયોના નામે વોટની રાજનીતિ કરનારા સ્વાર્થી નેતાઓ ભૂખી ગાય માતાની આંતરડી ઠારવા માટે પ્રયાસો કરવા માટે પણ આગળ આવતા નથી. મહાનગરો સહિત જીલ્લાના બે મુખ્ય શહેર ડીસા અને પાલનપુરમાં રખડતી ગાયો મોતને ભેટે છે. જે ગાયના નામે વોટ લેનારાં નેતાઓ માટે શરમજનક છે.

[google_ad]

પાલનપુર, ડીસામાં દિનપ્રતિદિન રખડતી ગાયોની સંખ્યા વધી રહી છે. નગરપાલિકા તંત્ર દ્વારા રખડતી ગાયો મુદ્દે માલિકો સામે કાર્યવાહી કર્યા બાદ યોગ્ય કાર્યવાહીમાં ઢીલ છોડી દેવામાં આવે છે. નક્કર કાર્યવાહી ના થતા ગાયોના માલિકો પણ પોતાની ગાયોને શહેરમાં રખડતી મૂકી રહ્યા છે. માત્ર દુધના ભૂખ્યા માલિકો ગૌમાતાની દયનીય હાલત માટે સૌથી પહેલા જવાબદાર છે. જેમની સામે પાલિકા દ્વારા દાખલા રૂપ કડક કાર્યવાહી કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

[google_ad]

 

સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલ પ્લાસ્ટિકનું ડીસા, પાલનપુરમાં બેરોકટોક વેચાણ જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા પર્યાવરણ બચાવ તેમજ ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે કરીને વર્ષો સુધી નાશ ના થતાં માઈક્રોન યુક્ત પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. તેમજ તેના વેંચાણ સામે રોક લગાવવા સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવા જણાવાયું છે. છતાં બંને શહેરોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચાણ સામે કોઈજ કાર્યવાહી ના થતા પાલનપુર, ડીસામાં પ્લાસ્ટિકનો વેસ્ટ વધ્યો છે. જે પર્યાવરણ અને અબોલ પશુઓ માટે ખતરારૂપ બન્યો છે.

[google_ad]

પર્યાવરણ નિષ્ણાંતોના અહેવાલ પ્રમાણે જમીનમાં રહીને સડી ન જાય તેવું પ્લાસ્ટિક ભૂ-જળને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકની બોટલ્સ અને ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ 450 વર્ષ બાદ પણ નાશ નથી પામતી. પ્લાસ્ટિકના ઢાંકણાને સંપૂર્ણ પણે નાશ પામતા 400 વર્ષ જ્યારે માછલી પકડવા માટેની પ્લાસ્ટિકની જાળીને 650 વર્ષ લાગી જાય છે.

[google_ad]

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સર્વે રિપોર્ટ પ્રમાણે દેશમાં વાર્ષિક 16 લાખ ટન જેટલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થાય છે. જ્યારે દિલ્હીમાં તે આંકડો વાર્ષિક 800 ટન જેટલો છે. જેમાં ડિસ્પોઝેબલ ક્રોકરી, પીવાના પાણીના પેક્ડ ગ્લાસ, થર્મોકોલ અને પ્લાસ્ટિકથી બનેલી સજાવટની તમામ વસ્તુઓ, પ્લાસ્ટિકની થેલીઓ, 50 મિમી કે 50 ગ્રામ સામાનવાળા પ્લાસ્ટિકના પાઉચ, ફુગ્ગા, ઝંડા, ટેટ્રાપેકના પાઈપ, પેકિંગ માટેની પ્લાસ્ટિક શીટ, 500 મિમી સુધીના તરલ પદાર્થોવાળી પ્લાસ્ટિકની હલકી બોટલ્સ વગેરેનો સમાવેશ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!