ગુજરાતમાં બટાટાનું સ્ટોક કરેલ ખેડૂતો અને વેપારીઓને ફરી એકવાર મોટુ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાલ બટાટાની પડતર કરતા અડધા પણ નાણાં ન આવતા ખેડૂતો અને વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે સરકાર આ બાબતે સહાય અને લોનમાં વ્યાજ માફ કરે તેવી માંગ ઉઠી છે.
ગુજરાતમાં દિનપ્રતિ દિન ખેડૂતોની હાલત કફોડી બની રહી છે અને જેમાં ખાસ કરીને 2014ની સાલથી એક – બે વર્ષ બાદ કરતાં મોટા ભાગના વર્ષમાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે સતત વર્ષોથી થતા નુકસાનના કારણે બટાટાના વેપારી અને ખેડૂતો દેવાદાર બની ગયા છે.
વાત કરીએ ચાલુ વર્ષની ચાલુ વર્ષે બનાસકાંઠામાં 3.10 કરોડ કટ્ટા બટાટાનું સંગ્રહ કોલ્ડસ્ટોરેજમાં થવા પામ્યું હતું અને ખેડૂત સારા ભાવની આશાએ સંગ્રહ કર્યું હતું તો વેપારીઓ સારા ભાવની આશાએ રૂ.150થી 175 મણના ભાવે ખરીદી કરી કોલ્ડસ્ટોરેજમાં મુક્યાં હતા. પરંતુ હવે જ્યારે બટાટા નીકળવાનો સમય થયો છે ત્યારે ભાવ અડધા પણ રહ્યા નથી અને લોકડાઉન તેમજ અન્ય રાજ્યોમાં બટાટાનું ઉત્પાદન થતા માંગ ઓછી હોવાના કારણે 3.10 કરોડ કટ્ટામાંથી માત્ર 60 લાખ કટ્ટાનું વેચાણ થયું છે અને હજુ 2.50 કરોડ બટાટાના કટ્ટા સ્ટોરેજમાં પડ્યા છે.
ત્યારે હાલની ભાવની વાત કરવામાં આવે તો ખેડૂત અને વેપારીને પ્રતિ મણનું ભાડું, ખર્ચ અને મજૂરી નીકળતા રૂ.50થી 75માં ભાવ મળે છે એટલે કે અડધા કરતા પણ ઓછી મૂડી થઈ રહી છે જેથી બટાટામાં હાલની સ્થિતિ જોતા રૂ.700 કરોડ ઉપરાંતનું નુકશાન પડી રહ્યું છે. ત્યારે સરકાર મદદરૂપ થાય તેવી વેપારીઓની માંગ છે.
સતત 8 વર્ષમાં એક બે વર્ષ બાદ કરતાં ખેડૂત અને વેપારીઓને બટાટાની ખેતીમાં મૂડી પણ થઈ નથી અને જેના કારણે આજે અનેક બેંકોની લોન પણ ખેડૂતો ભરી શક્યા નથી જેના કારણે ખેડૂતો અને વેપારીઓ દેવાદાર બન્યા છે ત્યારે ખેડૂતોએ લોનમાં વ્યાજ માફ કરવાની માંગ સરકાર પાસે કરી છે.
ગુજરાતમાં અને એમા પણ ખાસ કરીને બટાટાનું વાવેતર બનાસકાંઠામાં થઇ રહ્યું છે ત્યારે ચાલુ વર્ષે સતત ભાવ ઘટતા ખેડૂતો અને વેપારીઓને મૂડી પણ થઈ રહી નથી ત્યારે હવે સરકાર મદદરૂપ થાય તેવી આશા ખેડૂતો અને વેપારીઓ રાખી રહ્યા છે.
From – Banaskantha Update