શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલ્કતો અને જમીનોનો કબજા બનાસકાંઠાના કલેકટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા તા. 15/04/2021ના રોજ લેવામાં આવ્યો છે. આ મિલ્કતોમાં કોટેશ્વર મહાદેવ મંદિર, પરિસર, ગૌમુખ, વાલ્મીકી આશ્રમ, ગૌશાળા અને ખેતીની જમીન વિગેરેનો સમાવેશ થાય છે.
શ્રી કોટેશ્વર મહાદેવ મંદિર અને સંલગ્ન જગ્યાઓમાં યાત્રિકો માટેની પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર અને આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વિગેરે સુવિધાઓ ઉભી કરવાનું આયોજન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું પ્રાથમિક આયોજન આ પ્રમાણે વિચારવામાં આવ્યું છે.
હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોનું રીનોવેશન અને જૂના બિનજરૂરી સ્ટ્રક્ચરો કાઢી નાખી મંદિર પરિસર જગ્યા મોટી કરીને પીવાનું પાણી, બાગ-બગીચા અને વિસામો વિગેરેની સુવિધા વિકસાવવી, ગૌમુખની જગ્યા ગૌમુખ, પાણીના કુંડાનું રીનોવેશન, વધારાનો એક કુંડ બનાવવો, ધર્મશાળાનું જર્જરીત માળખુ કાઢી નાખી સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ, આશ્રમવાળી જગ્યા પર હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રીનોવેશન, આયુર્વેદીક પુસ્તકોની લાયબ્રેરી, પીવાના પાણીની તથા શૌચાલયની સગવડ, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા, ગૌશાળામાં ગૌશાળાનું ડેવલપમેન્ટ, ગાયોના ઘાસચારા માટે સંગ્રહસ્થાન, પીવાના પાણીની વ્યવસ્થા, ખેતીની જમીનમાં આયુર્વેદીક ઉદ્યાન બનાવવું તથા પાણીની સગવડ અને જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે.
અંબાજી નજીક આવેલ કોટેશ્વર ધામ અતિ પૌરાણિક શિવાલય છે તેમજ સરસ્વતી નદીનું ઉદ્દગમ સ્થાન પણ છે. કોટેશ્વર ધામના વિકાસ અર્થે દેશ-વિદેશમાં મંદિર સ્થાપત્યના વિશેષજ્ઞ આર્કીટેક તરીકે પ્રખ્યાત આર્કીટેક્ટ સી.બી.સોમપુરા-અમદાવાદ સાથે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ કમ બનાસકાંઠા જીલ્લા કલેકટર આનંદ પટેલે ટેલીફોનીક વાતચીત કરતાં સી.બી.સોમપુરાએ તેમની અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ કોટેશ્વર ધામના વિકાસ માટે જરૂરી આર્કીટેક્ટ તરીકેની સેવાઓ વિનામૂલ્યે આપવા માટે સહર્ષ સંમતિ આપી છે.
સી.બી.સોમપુરા હાલમાં અયોધ્યા ખાતે બની રહેલ શ્રી રામ મંદિરના પણ આર્કીટેક્ટ છે. ભારત દેશ અને વિદેશોમાં પણ ઘણા બધા વિખ્યાત મંદિરોના આર્કીટેક્ટ તરીકેની સેવાઓ પણ તેમણે આપેલી છે. આર્કીટેક્ટની ટીમ દ્વારા ટૂંક સમયમાં કોટેશ્વર ખાતે સર્વે કરીને માસ્ટર પ્લાનીંગ અને અંદાજા તૈયાર કરી આપવામાં આવશે.
સરકાર દ્વારા પ્રોજેકટની મંજૂરી મળ્યેથી યુધ્ધના ધોરણે કોટેશ્વર ધામના વિકાસ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં કોટેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુ આવેલ જર્જરીત જૂની બિનઉપયોગી રૂમો અને સ્ટ્રકચરો દૂર કરીને જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. કોટેશ્વર મહાદેવ મંદિરની ફરતે આવેલ ડુંગરો લીલાછમ્મ અને હરીયાળા બને તે માટે વન વિભાગને જરૂરી કાર્યવાહી કરવા સુચનાઓ પણ આપી દેવામાં આવી છે.
સરસ્વતી નદી ભારતીય વૈદીક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર ખાતેથી જ ગુજરાતમાં પ્રાદુર્ભાવ પામે છે. ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો જીલ્લા કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર શ્રી અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી હાથ ધરાયા છે. આવનારા સમયમાં ગંગા આરતીની જેમ જ કોટેશ્વર ખાતે સરસ્વતી આરતીનું આયોજન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર એસ. જે. ચાવડાએ જણાવ્યું છે.
From – Banaskantha Update