બનાસકાંઠાના ખેડૂતોની હાલત બની કફોડી : બટાકાના ભાવ ઘટ્યા તો બીજી બાજુ કોલ્ડસ્ટોરેજના ભાડા ચઢી રહ્યા છે

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતુ. જોકે બટાકાના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ સારા ભાવની આશાએ પોતાના બટાકા કોલ્ડસ્ટોરેજમાં મુક્યા હતા પરંતુ 3 મહિનાનો સમય પસાર થવા છતાં ભાવ વધવાની જગ્યાએ ઘટી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં હાલ ખેડૂતોના 2.70 કરોડથી વધુ બટાકાના કટ્ટા ભાવ વધશે તેવી આશાએ કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે.

 

પ્રતિકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લાના ડીસા તેમજ વડગામ પંથકમાં દર વર્ષે મોટા પ્રમાણમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. ગત વર્ષે બટાકાના ભાવ ખૂબ જ સારા મળતા ખેડૂતો બટાકાની ખેતી તરફ વળ્યા હતા. જોકે બટાટાનું મોંઘું બિયારણ હોવા છતા ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કર્યું હતુ અને ખેડૂતોને પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થયુ હતુ.

 

પ્રતિકાત્મક તસવીર

 

જોકે ખેડૂતોએ ખેતરોમાંથી બટાકા નિકાળવાની શરૂઆત કરતા અચાનક બટાકાના ભાવ ગગડી જતા ખેડૂતોએ પોતાના બટાકા બજારમાં વેચવાની જગ્યાએ ભાવ વધવાની આશાએ કોલ્ડસ્ટોરેજમાં મુક્યા હતા.

 

પ્રતિકાત્મક તસવીર

 

જોકે ત્યાર બાદ કોરોનાની મહામારીના કારણે માર્કેટો બંધ રહેતા અને છેલ્લા 3 મહિનાથી બટાકાની નિકાસ બંધ થઈ જતા બટાકાના સારા ભાવ મળવાની આશા ઉપર પાણી ફરી વળતા ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી બની છે અને ખેડૂતોના કોલ્ડસ્ટોરેજમાં પડેલા બટાકાના ભાડા ચડતા હોવાથી હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂતો તેમના બટાકા કોલ્ડ સ્ટોરેજમાં લેવા જાય તેમ નથી.

 

પ્રતિકાત્મક તસવીર

 

જેથી કોલ્ડસ્ટોરેજના માલિકો પણ મુશ્કેલીઓમાં મુકાયા છે અને તેમના ખેડૂતો સાથેના સંબંધ બગડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે, સરકાર કોલ્ડસ્ટોરેજના ભાડામાં સબસીડી આપે અથવા કોઈ સહાય આપીને વ્યવસ્થા કરે જેથી ખેડૂત બચી શકે.

 

પ્રતિકાત્મક તસવીર

 

બનાસકાંઠામાં આ વર્ષે 3.10 કરોડથી વધુ બટાટાના કટ્ટાનું ઉત્પાદન થયું હતુ, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતો અને વેપારીઓએ જિલ્લામાં આવેલા 200 કરતા વધારે કોલ્ડસ્ટોરેજમાં પોતાના બટાટા મુક્યા હતા. જેથી કોલ્ડ સ્ટોરેજના સંચાલકો પણ સારુ ભાડું મળશે તેમ વિચારીને મલકાયા હતા. પરંતુ હવે પરિસ્થિતિ એવી આવી છે કે સતત ઘટી રહેલા બટાકાના ભાવના કારણે ખેડૂતો-વેપારીઓને કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવતા કઈ બચે તેમ ન હોવાથી ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા પોતાના બટાકા લેવા જતા નથી.

 

પ્રતિકાત્મક તસવીર

અત્યારે પણ જિલ્લાના કોલ્ડ સ્ટોરેજમાં 2.70 કરોડથી વધુ બટાકાના કટ્ટા ભાવ વધવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોલ્ડસ્ટોરેજના સંચાલકોની ચિંતા વધતા તેવો પણ સરકાર ખેડૂતોને મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.

From – Banaskantha update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!