સંજય માંજરેકર જુઓ! ક્રિકેટમાં ટેલન્ટ જરૂરી છે, અંગ્રેજી નહીં; એવા સ્ટાર કે જેમને અંગ્રેજી આવડતું ન હતું, પણ વિશ્વ લેવલે ખ્યાતિ મેળવી

- Advertisement -
Share

સંજય માંજરેકર અવારનવાર ભારતીય ક્રિકેટરો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. આવામાં માંજરેકરે ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને અંગ્રેજી ન આવડતું હોવાનું નિવેદન કરતાં ફરી ભારે હોબાળો મચી ગયો છે, પણ માંજરેકરને કોણ સમજાવે કે ક્રિકેટમાં અંગ્રેજી આવડવા કરતાં ટેલન્ટ જરૂરી છે. ક્રિકેટના મેદાનમાં અંગ્રેજી ભાષા રૂપી બોલ ફેંકવાના હોતા નથી, પરંતુ પોતાની આવડત અને મહેનતથી સીઝન બોલ ફેંકીને સામેની ટીમને જડબાતોડ જવાબ આપવાનો હોય છે. ચલો તો આવા જ ભારતીય ક્રિકેટજગતના એવા કેટલાક દિગ્ગજ ક્રિકેટરો વિશે જાણીએ, જેમને કારકિર્દીની શરૂઆતમાં ઈંગ્લિશનો ‘ઈ’ પણ આવડતો નહોતો, તેમ છતાં ભારતીય ક્રિકેટ ટીમને સફળતાનાં શિખરો સર કરાવ્યા હતા.

 

 

 

ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ભાગના ખેલાડીઓ નાના શહેર અને ગામમાંથી આવતા હોય છે. આવા ખેલાડીઓને અંગ્રેજી ભાષાનો પ્રયોગ કરવાનો ખાસ અનુભવ હોતો નથી. ભારતીય ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, હરભજન સિંહ અને દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ સહિત ઘણા ખેલાડીઓની કારકિર્દીની શરૂઆતમાં અંગ્રેજી ભાષા પર પકડ નબળી હતી, પરંતુ મેદાનમાં તેમના પ્રદર્શનથી તેઓ મેચ વિનર્સ સાબિત થયા છે. આ તમામ ખેલાડીઓએ ટેલિવિઝન અને અન્ય માધ્યમો દ્વારા આવા જ રસપ્રદ કિસ્સાઓને લોકો સમક્ષ રજૂ કર્યા હતા.

સંજય માંજરેકરે યુઝરનું આપમાન કરતાં કહ્યું હતું કે તું મારા વિશે કશું કહી શકે એમ નથી, કારણ કે તું તો મારો 1 ટકા જેટલો ભાગ પણ નથી, તો હવે માંજરેકર સાહેબ તમે તો કપિલ દેવના 1 ટકા જેટલા પણ નથી. ક્રિકેટ ગેમ મેદાન પર બોલ અને બેટ વચ્ચે યોજાય છે, એનો અંગ્રેજી ભાષા સાથે શું સંબંધ છે?

 

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન અને ઓલરાઉન્ડરની વાત કરવામાં આવે છે તો કપિલ દેવનું નામ અવશ્ય સામે આવે છે. કપિલ દેવે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે હું જ્યારે 79માં ઈંગ્લેન્ડ ટૂર પર ગયો હતો, ત્યારે એરપોર્ટ પર મને એક અંગ્રેજ મળ્યો હતો. એણે મારી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. આ અંગ્રેજની વાતમાં મને વધારે ખબર ના પડી એટલે હું ‘પાર્ડન’ બોલતો રહ્યો અને સામે એ પણ પછી તો પાર્ડન..પાર્ડન કહેતો રહ્યો હતો. વાત અહીંયા પૂરી નહોતી થઈ આ વ્યક્તિ સાથે મારે લગભગ 20 મિનિટ સુધી માત્ર ‘પાર્ડન…પાર્ડન’ વાળી વાતચીત ચાલી હતી. થોડો સમય પસાર થતા હું ત્યાંથી ‘સોરી’ કહીને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના મેં ડ્રેસિંગ રૂમમાં શેર કરી હતી અને આ અંગે ઘણી મજા પણ લીધી હતી

 

કપિલ દેવ કેપ્ટન તરીકે બાર્બાડોઝ ટૂર પર ગયા હતા, ત્યારે એમણે ઘટસ્ફોટ કર્યો હતો કે મને અંગ્રેજી ભાષામાં બોલવામાં થોડી મુશ્કેલીઓ થતી હતી. હું જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે મને મીડિયા તથા સ્થાનિક લોકોની ભાષા અને એક્સેન્ટને સમજવામાં ઘણી મુશ્કેલીઓ સર્જાઈ હતી. એમાં પાછું વેસ્ટ ઈન્ડિયન્સની અંગ્રેજી સમજવામાં પરસેવા છૂટી જતા હતા.

કપિલ દેવ તેમની 184મી ટેસ્ટ કારકિર્દીમાં એકપણ વાર રન આઉટ થયા નથી. પોતાની 16 વર્ષની કારકિર્દીમાં કપિલ દેવે 134 ટેસ્ટમાં 434 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેઓએ 8 સદી સાથે 5248 રન બનાવ્યા હતા. તેમની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે 1983નું વર્લ્ડ કપ ટાઈટલ પણ જીત્યું હતું. આ તો માત્ર પ્રાથમિક માહિતી છે બાકી કપિલ દેવે બીજા ઘણા રેકોર્ડ સ્થાપિત કર્યા છે.

 

 

ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓએ જૂની યાદોને વાગોળી હતી. અત્યારે ભલે હરભજન સિંહ ફટાફટ અંગ્રેજી ભાષા બોલતા હોય પરંતુ કારકિર્દીની શરૂઆતમાં એમનું અંગ્રેજી પણ નબળું હતું. હરભજન સિંહ અને યુવરાજ સિંહ એક રેસ્ટોરાંમાં છોકરી સાથે હતા અને એ દિવસે પાછો રોઝ ડે પણ હતો. એ સમયે છોકરીએ હરભજન સિંહ પાસે ગુલાબનું ફૂલ માગ્યું હતું પરંતુ તેમને લાગ્યું કે છોકરી બ્લાઉઝ માગી રહી છે, જેના પરિણામે એક રમૂજી વાતાવરણ ઊભું થયું હતું.

 

From – Banaskantha Update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!