બ્રિટનમાં જી7 સમિટ યોજાઈ રહી છે એ સ્થળ હેયલ ટોવન્સ ખાતે ‘માઉન્ટ રિસાયકલમોર’ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વાસ્તવમાં, આ કોઈ પહાડ નથી પરંતુ જો રશ અને એલેક્સ નામના બે વ્યક્તિએ ઈલેક્ટ્રોનિક કચરામાંથી બનાવેલી કલાકૃતિ છે. જેમાં તેમણે નકામા મોબાઈલ ફોન, કમ્પ્યુટરના વિવિધ હિસ્સા વગેરેનો ઉપયોગ કર્યો છે અને જી-7 દેશોના નેતાઓની કલાકૃતિઓ બનાવી છે. આ આર્ટવર્કની મુલાકાત લેનારા લોકો તેની તસવીર લેવાનું ચૂકતા નથી.
દક્ષિણ કોરિયામાં એક દુઃખદ અને વિચિત્ર દુર્ઘટના બની. એક બસ રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ એક ઈમારત તેના પર તૂટી પડી. જેના કારણે બસ સાવ ચગદાઈ ગઈ. આ બસમાં 17 જેટલા પ્રવાસીઓ હતા, જેમાંથી 9 લોકોનાં મોત થયા. આ દુર્ઘટના ગ્વાન્ગજુ શહેરમાં બની હતી. ફાયરફાઈટર્સ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
મુંબઈને મેઘરાજાએ એન્ટ્રી કરવાની સાથે જ ઘમરોળવાનું શરૂ કર્યુ છે. આ તસવીરમાં એક ટ્રેન જાણે રસ્તા પર આવી ગઈ હોય એવું દૃશ્ય ખડું થાય છે પરંતુ વાસ્તવમાં ભારે વરસાદના કારણે રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ જતા પાટા દેખાતા જ બંધ થઈ ગયા છે.
એક્ઝિબિશન…લંડનમાં જે. આર. : ક્રોનિકલ્સ એક્ઝિબિશનનો પ્રિવ્યૂ નિહાળતી યુવતી. જે. આર.ના એક્ઝિબિશનમાં આ પેઇન્ટિંગ અમેરિકા-મેક્સિકોની સરહદ પર બની રહેલી દીવાલથી પ્રેરાઇને બનાવાયું છે, જેમાં મેક્સિકો તરફથી એક બાળક અમેરિકા તરફના ભાગમાં જોઇ રહ્યું છે.
ડેનમાર્કમાં લોલાન્ડ આઈલેન્ડ ખાતે પૂર્ણ સ્વરૂપે ખીલેલા લુપિનનું ખેતર જોઈને ખુશ થયેલી એક મહિલા સેલ્ફી લેવાની તક ઝડપી રહી છે. રંગબેરંગી લુપિનથી સમગ્ર વિસ્તારમાં મનોરમ દૃશ્ય આંખ સામે સર્જાય છે. લુપિનના ખેતરોની મુલાકાતે તેની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. જો કે કોરોનાના પ્રતાપે પ્રવાસીઓની સંખ્યામાં આ વખતે ઘટાડો જોવા મળ્યો છે.
આ તસવીર જોઈને તમે સમજી જ ગયા હશો કે, જંગલનો રાજા સિંહ પણ હંમેશા ‘સિંહ’ નથી હોતો. ડર તેને પણ લાગે છે. નોર્વેના ફોટોગ્રાફર ઓલોવ થોકે હાલમાં જ કેન્યાના મસાઈમારા નેશનલ પાર્કના આ દૃશ્યને કેમેરામાં કેદ કરી લીધું હતું. આ સિંહ સામે 500 ભેંસનું ધણ આવી ગયું, ત્યારે તેને પણ લાગ્યું કે હવે તો વૃક્ષ પર ચઢી જવું એ જ જંગલના રાજાને શોભે એવો નિર્ણય બની રહેશે.