ઈઝરાયેલના રાજકારણમાં હવે સત્તા પલટાવાના સંકેત જોવા મળી રહ્યા છે. છેલ્લા એક દશકા કરતાં વધારે સમયથી ઈઝરાયેલની ખુરશી પર મજબૂતીથી જામેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ખુરશી હવે સંકટમાં જોવા મળી રહી છે. વિપક્ષ એક થઈ ગયો છે અને હવે ટૂંક સમયમાં જ ઈઝરાયેલમાં સત્તામાં પલટો જોવા મળી શકે છે. સંભવિત વડાપ્રધાન તરીકે નેફ્ટાલી બેનેટ આવે એવી શક્યતા છે. નોંધનીય છે કે નેફ્ટાલી પહેલાં નેતન્યાહુની સાથે હતા, પરંતુ હવે તેઓ તેમની મુખ્ય વિરોધી પાર્ટીમાં છે. નોંધનીય છે કે નેફ્ટાલી બેનેટ નેતન્યાહુને સંસદમાં બુધવારે મધ્યરાત્રિ સુધીમાં બહુમત સાબિત કરવાનો સમય હતો, પરંતુ એની 35 મિનિટ પહેલાં જ ઈઝરાયેલના વિપક્ષી નેતા યેર લાપિદે રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને કહ્યું હતું કે તેમની પાસે ગઠબંધન સરકાર બનાવવા માટે પૂરતું સમર્થન છે. યેર લેપિડે રાષ્ટ્રપતિને કહ્યું હતું કે આ સરકારમાં નેફ્ટાલી બેનેટ વડાપ્રધાનનો કાર્યભાર સંભાળશે. નવી શરતો પ્રમાણે બેનેટ સપ્ટેમ્બર 2023 સુધી વડાપ્રધાન રહેશે. ત્યાર પછી લેપિડ વડાપ્રધાન બનશે અને તેઓ નવેમ્બર 2025 સુધી સત્તામાં રહેશે. આ સમજૂતી રા’મ પાર્ટીના નેતા મંસૂર અબ્બાસ સાથે થઈ છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે,ઈસ્લામિક પાર્ટી સત્તાધારી ગઠબંધનનો હિસ્સો બની રહી છે.
યેર લાપિદે રાષ્ટ્રપતિને કહ્યું હતું કે વિપક્ષના સંગઠનમાં યેશ અતીદ, કહોલ લાવન, ઈઝરાયેલ બેઈટિનુ, લેબપ, યામિના, ન્યૂ હોપ, મેરેટ્જ અને રા’મ જેવી રાજકીય પાર્ટીઓ સામેલ છે. આમ, નેફ્ટાલી બેનેટનો ઈઝરાયેલના આગામી વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ છે. બીજી બાજુ, ઈઝરાયેલની સત્તા પર 12 વર્ષથી કબજો કરીને બેઠેલા નેતન્યાહુને હવે તેમનું પદ ગુમાવું પડે એવી શક્યતા છે. તો આ સંજોગોમાં આવો, જાણીએ કે કોણ છે નેફ્ટાલી બેનેટે, જેણે નેતન્યાહુના 12 વર્ષના શાસનની ખુરશી હલાવીને તેમને સત્તા બહારનો રસ્તો દેખાડી દીધો છે….
કોણ છે નેફ્ટાલી બેનેટ?
નેફ્ટાલી બેનેટ એક પૂર્વ ટેકનોલોજી સેક્ટરના આંત્રપ્રિનર છે. તેમણે આ વેપારમાંથી કરોડોની કમાણી કરી છે. તેમનાં માતા-પિતા મૂળ અમેરિકન્સ છે અને તેઓ ઈઝરાયેલ આવીને વસ્યાં છે. અમેરિકન અપ્રવાસી કપલના દીકરા બેનેટ જે લગભગ 50 વર્ષના છે અને તેઓ નેતન્યાહુની સરખામણીએ ઘણા યંગ અને એનર્જેટિક છે. બેનેટનો જન્મ ઈઝરાયેલના હાયફા શહેરમાં થયો હતો અને તેઓ ધાર્મિક રીતે યહૂદી છે. એક સમયે બેનેટ નેતન્યાહુની સરકાર સાથે જ હતા અને એ દરમિયાન તેઓ નાણા મંત્રાલય અને શિક્ષણ વિભાગ જેવા મહત્ત્વના વિભાગોમાં પણ કામ કરી ચૂક્યા છે. નેફ્ટાલી બેનેટ એક સમયે ઈઝરાયેલી સેનામાં કમાન્ડો પણ રહી ચૂક્યા છે.
ગઠબંધન સરકારનું ગણિત
નેફ્ટાલી બેનેટ જો વડાપ્રધાન બનશે તો એ ખૂબ ચોંકાવનારું જ માનવામાં આવશે, કારણ કે ઈઝરાયેલની 120 સભ્યવાળી સંસદમાં બેનેટના માત્ર 7 સાંસદ છે. ઈઝરાયેલી સાંસદમાં સૌથી મોટી પાર્ટી નેતન્યાહુની લિકુડ પાર્ટી છે. લિકુડ પાર્ટીના 30 સાસંદ છે અને બીજા નંબર પર લેપિડની યેશ એડિટ પાર્ટી છે. યેશ એડિટના 17 સાંસદ છે. સરકાર બનાવવા માટે 61 સાંસદનું સમર્થન જોઈએ, પરંતુ કોઈપણ પાર્ટી પાસે આટલા સાંસદ નથી. આ સ્થિતિ ત્યારની હતી જ્યારે સ્પષ્ટ બહુમત માટે ત્રણવાર ચૂંટણી થઈ હતી. હકીકતમાં બેનેટના સમર્થનને કારણે જ નેતન્યાહુની ખુરશી ટકેલી હતી. અત્યારસુધી તેઓ કિંગમેકરની ભૂમિકામાં હતા, પરંતુ હવે તેઓ કિંગની ખુરશી નજીક પહોંચી ગયા છે.
યહૂદી ધર્મ-નિયમોનું પાલન કરે છે બેનેટ
અંગત જીવનમાં બેનેટ સંપૂર્ણ રીતે યહૂદી ધર્મનું પાલન કરે છે. એટલે સુધી કે તેઓ તેમના માથા પર એક ધાર્મિકની ટોપી પણ પહેરે છે. આ ટોપી ખાસ કરીને કટ્ટર યહૂદી વિચારસરણી ધરાવતા લોકો પહેરે છે. આમ, બેનેટ તેમની ધાર્મિક વિચારણાને રાજકારણમાં આવીને છુપાવી શકશે એવું ના વિચારી શકે.
આમ તો નેફ્ટાલી બેનેટને હાર્ડલાઈનર રાષ્ટ્રવાદી નેતા માનવામાં આવે છે. એટલે એવું પણ થઈ શકે કે બેનેટના સત્તામાં આવ્યા પછી હમાસના આતંકીઓની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ વધી પણ શકે છે. બેનેટ હંમેશાં ઈઝરાયેલને આગળ લઈ જવાની વાત કરે છે અને ઘણીવાર એ વાતનો ઈશારો આપી ચૂક્યા છે કે પેલેસ્ટાઈન સ્ટેટ ઈઝરાયેલ માટે કેટલું જોખમી બની શકે છે.
બેનેટ વધારી શકે છે મુસ્લિમ દેશોની મુશ્કેલી
નેફ્ટાલી બેનેટના હાથમાં સત્તા આવ્યા પછી મધ્ય-પૂર્વ ઈસ્લામિક દેશોની મુશ્કેલી વધી શકે છે. છેલ્લા 11 મહિના સુધી ઈઝરાયેલ હમાસ વચ્ચે હિંસક સંઘર્ષ થયો એમાં ઈસ્લામી દેશોએ હમાસને સપોર્ટ કર્યો હતો. તુર્કી અને પાકિસ્તાન સતત ઈઝરાયેલના વિરોધમાં બોલી રહ્યા હતા. તુર્કી, પાકિસ્તાનની સાથે સાઉદી અરબ સહિત ઘણા ઈસ્લામિક દેશો પણ ઈચ્છે છે કે પેલેસ્ટાઈન એક સ્વતંત્ર દેશ બને, જેનું પાટનગર યેરુશલેમ હોય, પરંતુ બેનેટ ઈઝરાયેલ સાથે જોડાયેલા પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવાની માગણી નકારી રહ્યા છે. આ સંજોગોમાં નેફ્તાલી બેનેટના અરબ દેશો સાથેના સંબંધો બગડે તેવી પણ શક્યતા છે. જોકે ભારત પણ હંમેશાં ઈસ્લામિક દેશોનો વિરોધ કરતો રહ્યો છે, તેથી હવે શક્ય છે કે યહૂદી કટ્ટરવાદી બેનેટના વડાપ્રધાન બન્યા પછી ભારત અને ઈઝરાયેલના સંબંધો વધારે સારા થઈ શકે છે.
બેનેટનો ઈતિહાસ વિવાદાસ્પદ
વર્ષ 1996માં નેફ્ટાલી બેનેટ હિજબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને લીડ કરી હતી. ત્યાર પછી ઈઝરાયેલ પ્રેસ Yedioth Ahronothએ તેમના પર આરોપ લગાવ્યો હતો કે કાર્યવાહીમાં 106 લેબનાની નાગરિકના મોત થયાં હતાં. મૃત્યુ પામેલા લોકોમાં યુએનની પણ 4 વ્યક્તિ હતી.
બેનેટ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ વેચીને રાજકારણમાં આવ્યા
સેના છોડ્યા પછી બેનેટે ટેક્નોલોજી સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. તેમણે તેલ-અવીવમાં એક કંપની શરૂ કરી હતી.
બેનેટે વર્ષ 2005માં તેમના સ્ટાર્ટઅપ બિઝનેસને 145 મિલિનયન ડોલરમાં વેચીને રાજકારણમાં આવ્યા હતા અને બીજા જ વર્ષે નેતન્યાહુના ચીફ ઓફ સ્ટાફ બની ગયા, જે-તે સમયે વિપક્ષમાં હતા.
બેનેટે 2006થી 2008 દરમિયાન નેતન્યાહુના સિનિયર સહયોગી તરીકે કામ કર્યું હતું. જોકે નેતન્યાહુ સાથે સંબંધો બગડ્યા પછી તેમણે નેતન્યાહુની લિકુડ પાર્ટી છોડી દીધી હતી.
નેતન્યાહુનો સાથ છોડ્યા પછી બેનેટે 2010માં યેશા કાઉન્સિલના પ્રમુખ બન્યા હતા.
2012માં બેનેટે ઘુર દક્ષિણપંથી જ્યૂઈશ હોમ પાર્ટીની કમાન સંભાળી હતી, એ સમયે તે ઘણા મુશ્કેલ સમયમાંથી પસાર થયા હતા.
આ દરમિયાન 2018માં બેનેટ જ્યૂઈશ હોમ પાર્ટીની યામિના પાર્ટી તરીકે રિબ્રાન્ડિંગ કરી ચૂક્યા હતા.
નેતન્યાહુ સરકારથી બહાર આવ્યા પછી બેનેટે 2020માં કોરોનાવાયરસની મહામારીના કહેરમાં સ્વાસ્થ્ય સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે દક્ષિણપંથી નિવેદનબાજી ઓછી કરી દીધી હતી.
તેમણે નવેમ્બર 2020માં આર્મી રેડિયોને કહ્યું હતું કે આગામી વર્ષોમાં આપણે રાજનીતિ અને પેલેસ્ટાઈન સ્ટેટ જેવા મુદ્દાઓને અલગ રાખવા પડશે અને કોરોનાવાયરસ મહામારી પર નિયંત્રણ મેળવવા, અર્થવ્યવસ્થાને યોગ્ય કરવા અને આંતરિક મતભેદો દૂર કરવા ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
બેનેટ સીધી વાત કરવા લોકપ્રિય
દક્ષિણપંથી વિચારોના નેતા બેનેટ પૉશ અમેરિકન ઢબે અંગ્રેજી બોલે છે અને પોતાની વાત સીધી રીતે જ રજૂ કરવામાં માને છે. વર્ષ 2013માં તેમણે પેલેસ્ટાઈન સાથે કોઈપણ રીતનું નરમ વલણનો વિરોધ કરતાં કહ્યું હતું કે આતંકવાદીઓને મારી દેવા જોઈએ. આમ જોવા જઈએ તો આ મુદ્દે હાલના વડાપ્રધાન અને સંભવિત વડાપ્રધાન બેનેટ એક જેવી જ વિચારધારા ધરાવે છે.
From – Banaskantha Update