31 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં છ વર્ષની એક ક્યૂટ કાશ્મીરી ગર્લ વધુપડતા હોમવર્કની ફરિયાદ સીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને કરી રહી હતી. મનોજ સિંહાએ આ વીડિયોની નોંધ લઇને સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટને 48 કલાકની અંદર જ બાળકોનું હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. ત્યારથી ચર્ચા ચાલુ થઈ કે આ ક્યૂટ ટેણી છે કોણ.
હવે માહિતી બહાર આવી છે કે આ છ વર્ષની સ્કૂલ ગર્લનું નામ માહિરા ઇરફાન છે, જે શ્રીનગરમાં રહે છે. છ વર્ષની માહિરા શ્રીનગરના અલોચીબાગ એરિયામાં આવેલી ‘મિન્ટો સર્કલ સ્કૂલ’માં ભણે છે. વીડિયોમાં માહિરાની ફરિયાદ હતી કે તેને બહુબધું ઓનલાઇન ભણવું પડે છે અને હોમવર્ક પણ કરવું પડે છે. દરઅસલ, માહિરાની સ્કૂલનું ઑફલાઇન એજ્યુકેશન છેક ઑગસ્ટ 2019માં કલમ-370ની નાબૂદી થઈ ત્યારથી વેરવિખેર થયેલું છે. ત્યાર બાદ માર્ચ, 2020થી કોરોનાને કારણે લૉકડાઉન આવ્યું અને સ્કૂલનું શિક્ષણ સંપૂર્ણપણે બંધ થઈ ગયું અને ઑનલાઇન એજ્યુકેશન લેવાનો વારો આવ્યો
Modi saab ko is baat par zaroor gaur farmana chahiye😂 pic.twitter.com/uFjvFGUisI
— Namrata Wakhloo (@NamrataWakhloo) May 29, 2021
માહિરાની સ્કૂલના સત્તાધીશોએ પણ સ્વીકાર્યું કે છેલ્લાં ત્રણ વર્ષથી તેમની સ્કૂલ બંધ પડી છે, જેથી ઓનલાઇન ક્લાસીસ સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી.
ઘરમાં ‘માયરુ’ના લાડકા નામથી સંબોધાતી માહિરાનો આ વીડિયો બે અઠવાડિયાં પહેલાં તેના પિતાએ પોતાના મિત્રોને વ્હોટ્સએપમાં શૅર કર્યો હતો. ત્યારે તેમને ખ્યાલ નહોતો કે તેમની દીકરી ઇન્ટરનેટ સેન્સેશન બની જશે.
આ વીડિયો નમ્રતા વાખલુ નામની ટ્રાવેલ બ્લોગરે સોશિયલ મીડિયામાં શૅર કર્યો અને એને જમ્મુ-કાશ્મીરના લેફ્ટ. ગવર્નરે શૅર કરીને શિક્ષણ વિભાગને બે દિવસમાં હોમવર્ક ઘટાડવાનો આદેશ આપ્યો. આ સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગનો આદેશ પણ આવી ગયો કે પ્રી-પ્રાઇમરીના વર્ચ્યુઅલ ક્લાસ 30 મિનિટ અને પ્રાઇમરી સ્કૂલના વિદ્યાર્થીઓના વર્ચ્યુઅલ ક્લાસ 90 મિનિટથી વધારે ન હોવા જોઇએ. એ જ રીતે આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ દરરોજ 30-45 મિનિટનાં બે સેશનથી વધુ ન હોવા જોઇએ.
From – Banaskantha Update