સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આ કોરોના સંક્રમણ અટકાવવા રાજય સરકારના દિશાનિર્દેશો અનુસાર વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કોરોનાની આ બીજી લહેરમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાના ઘરની નજીકમાં સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. આદિજાતિ વિસ્તાર એવા પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પીટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
મા અંબેના ધામ અંબાજી ખાતે આવેલા આ આદ્યશક્તિ હોસ્પીટલ કમ કોવિડ હેલ્થ સેન્ટરમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત ઘણાં દર્દીઓ અહીંની સારવારથી સાજા થઇ ઘરે ગયા છે.
આ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડેટ ર્ડા.શોભા ખંડેલવાલ સહિતના ર્ડાક્ટરો અને નર્સ બહેનો જે રીતે દર્દીઓની સારવાર કરે છે તેવી જ રીતે અહીંના 28 જેટલાં સફાઇ કર્મીઓ હોસ્પીટલને સાફ-સુથરી, સ્વચ્છ રાખવાથી લઇ ઓક્શિજનની બોટલો લાવવા-લઇ જવાની કામગીરી કરી સંકટ સમયમાં દર્દીઓમાં પ્રાણ પુરવાનું કામ કરે છે. સ્વચ્છતાના આ સૈનિકો સાચા અર્થમાં સેવાનો ભેખ ધારણ કર્યો હોય તેવી સેવા બજાવે છે.
જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાની કહેવતને સાર્થક કરતાં આ હોસ્પીટલના 28 જેટલાં સફાઈ કર્મયોગીઓ અલગ-અલગ પાળીમાં સતત સફાઈનું કામ કરી કોરોના વોરિયર્સની ભૂમિકા અદા કરી રહ્યાં છે.
અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલ કમ કોવિડ હેલ્થ સેન્ટરના સુપ્રિટેન્ડન્ટ ર્ડા. શોભા ખંડેલવાલના જણાવ્યા અનુસાર આ કોવિડ હેલ્થ સેન્ટર ટ્રાયબલ વિસ્તાર દાંતા તાલુકામાં સૌથી મોટું કોવિડ સેન્ટર છે. આ સેન્ટરમાં સારવાર માટે આવેલા મોટાભાગના દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ કોરોના સામે જંગ જીતીને ઘેર ગયા છે તેનો આનંદ છે.
તેમણે જણાવ્યું કે, આ કોવિડ હેલ્થ સેન્ટરમાં આવેલા કોરોના સંક્રમિત દર્દીઓ અને તેમના પરિવારજનો ઘેર જતી વખતે ર્ડાક્ટર, નર્સ બહેનો અને સફાઇકર્મીઓનો આભાર માને છે. તેમણે કહ્યું કે, અમારું કામ અમારી હોસ્પીટલના વર્ગ- 4ના 28 જેટલાં સફાઇકર્મીઓથી રળીયાણું લાગે છે. કોરોના સંક્રમણ અટકાવવા સ્વચ્છતા ખુબ જ જરૂરી હોય છે એ વાત સમજીને તમામ સફાઇ કર્મીઓ હોસ્પીટલને સ્વચ્છ સુંદર રાખવા દિલ રેડીને કામ કરે છે.

તેમણે ઉમેર્યુ કે, અમે આ હોસ્પીટલનું એક વોટસઅપ ગ્રુપ પણ બનાવ્યું છે તેમાં રોજ જેટલીવાર સફાઇ કરવામાં આવે તેના ફોટા પાડી મુકવામાં આવે છે અને સફાઈ કર્મીઓ જાતે જ એકબીજાનું મોનેટરીંગ કરી રિપોર્ટ આપે છે.
તેમણે કહ્યું કે, આ સફાઇ કર્મીઓ પૈકી 8 માણસો ઓક્શિજનની બોટલ લાવવા-લઇ જવા સહિતની કામગીરી પણ સંભાળે છે. આ સ્વચ્છતાના સૈનિકોની કામગીરીથી અમને પણ વધુ સારું કામ કરવાની પ્રેરણા મળે છે. આ તમામ સફાઇ કર્મીઓની સેવાને હું બિરદાવું છું તેમ તેમણે જણાવ્યું હતું.
From – Banaskantha Update