સુઇગામ તાલુકાના જેલાણા ગામમાં ખોરાકી ઝેરની અસરથી વાડામાં પુરાયેલ 42 ઘેટાં અને 2 ગાયોનાં મોત થતાં ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મોતને ભેટેલ મૂંગા પશુધનને લઈ ગરીબ માલધારી પર આભ ફાટી પડ્યું.
જેલાણા ગામના બકાભાઈ કરમસીભાઈ રબારીએ સોમવારની રાત્રીના સમયે વાડામાં પોતાના ઘેટાં બકરાં અને ગાયો પુરેલ હતા જયારે સવારે કરમસીભાઈ રબારી જઈને જોતાં વાડામાં જ્યાં જોઈએ ત્યાં મૃત ઘેટાં પડ્યા હતા આ જોઈ માલધારી બેબાકળો બની ગયો હતો.
આ અંગેની જાણ થતાં ગામમાંથી પણ લોકો દોડી આવ્યા હતા, વાડામાં 42 ઘેટાં અને 2 ગાયોના કમકમાટી ભર્યા મોતને લઈ ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવો વજ્રાઘાત થયો હતો.

આ અંગે ગ્રામ પંચાયત દ્વારા પણ જરૂરી પંચનામું કરાયું હતું, ખોરાકી ઝેરની અસરના પરિણામે ઘેટાં અને ગાયોના મોત થયાં હોવાની શંકા સેવાઇ રહી છે. ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી મૃત ઘેટાં અને ગાયોને JCBથી ખાડો કરી દાટી દેવાયા હતા.
From – Banaskantha Update