કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલી છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં સરકાર દ્વારા યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
કોરોનાની આ બીજી લહેરમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં લોકોને પોતાના ઘરની નજીકમાં સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. આદિજાતિ વિસ્તાર એવા પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પીટલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જે આ વિસ્તારની પ્રજા માટે મા અંબાના આશીર્વાદ સમાન પુરૂવાર થઇ રહ્યું છે.
અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટ ર્ડા. શોભા ખંડેલવાલે જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના અંતરીયાળ વિસ્તારના આદિજાતિ લોકો સહિત આ વિસ્તારના તમામ લોકોને કોરોનાના કપરા સયમમાં સારવાર અને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લાના પ્રભારી સચિવ વિજય નહેરા અને કલેકટર આનંદ પટેલની મુલાકાત બાદ અંબાજી મુકામે આદ્યશકિત હોસ્પીટલમાં તા.13 અપ્રિલ – 2021થી કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનવાળા 30 બેડ અને આઈસોલેશન 20 બેડ એમ કુલ – 50 બેડની અલગ સુવિધા ઉભી કરી સારવાર અપાય છે. તેમણે કહ્યું કે, કોરોની બીજી લહેર શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 235 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર માટે અહીં દાખલ કરવામાં આવ્યા હતાં. તે પૈકી ઘણાં એવા પણ દર્દીઓ હતાં કે જેમનું ઓક્શિજન સેચ્યુરેશન ખૂબ જ ઓછું હતું. છતાં પણ ર્ડાક્ટરો અને નર્સ દ્વારા અપાતી યોગ્ય સારવાર અને સેવાભાવી ડોકટરોની મહેનતથી ઘણાં દર્દીઓને નવી જિંદગી મળી છે.
આ ર્ડાક્ટરોની સારવારથી અત્યાર સુધીમાં 170 જેટલાં કોરોના સંક્રમિત દર્દીઓ બિલકુલ સ્વસ્થ થઈ કોરોના સામે જંગ જીતી ઘેર ગયા છે. જે હાલ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે. તેમજ 40 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમણે દુઃખ સાથે જણાવ્યું કે, ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં લાવવામાં આવેલા 30 જેટલાં કમનસીબ દર્દીઓ અમે બચાવી શક્યા નથી.
ર્ડા. શોભા ખંડેલવાલે હોસ્પીટલની વ્યવસ્થા વિશે જણાવ્યું કે, આ હોસ્પીટલમાં કુલ – 8 મેડિકલ ઓફિસરો, 18 નર્સિંગ બહેનો તેમજ વર્ગ – 4નાં 28 કર્મયોગીઓ સેવાભાવથી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરે છે. અહીં વડનગર, હિંમતનગર જેવા દૂરદરાજના વિસ્તારથી લોકો સારવાર માટે આવ્યાં છે અને સાજા થઈ પોતાના ઘેર ગયા છે.
તેમણે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને માર્બલ એસોસીએશન સહિતના દાતાઓનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, મંદિર તરફથી ઓક્શિજન માટેની પુરતી સુવિધા અને દર્દીઓ અને તેમના સગા-સબંધીઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. માર્બલ એસોસિએશન તરફથી એમ્બ્યુલન્સ વાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ઉપરાંત ઓક્સિજનના 20 સિલીન્ડરો અને સેનેટાઈઝેશન પંપ આપવામાં આવ્યાં છે. આ મહામારીમાં દાતાઓ અને અંબાજી મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓની તેમણે સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અંબાજીથી આજુબાજુના 40 કિ. મી. વિસ્તારમાં પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલોની ખુબ જ અછત હોવાથી અંબાજીની આદ્યશકિત હોસ્પીટલ અહીંના સ્થાનિક નિવાસી અને આ વિસ્તારના કોરોના સંક્રમિત દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.
From – Banaskantha Update