હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક પહેરવું અનિવાર્ય છે. માસ્ક ન પહેરવા પર 1,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ગુજરાતમાં તંત્ર ઉપરાંત પોલીસને માસ્કનો દંડ ઊઘરાવવાની સત્તા આપવામાં આવી છે.
આ દરમિયાન ઘણી વખત પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ સામે આવતા હોય છે. ક્યાંક કોઈ વખત તોડ પણ કરી લેવામાં આવ્યાના બનાવો બનતા રહે છે. તો અમુક કિસ્સામાં પોલીસ ડંડાવાળી કરતી હોય તેવા બનાવો પણ બનતા રહે છે. પાટણ જિલ્લામાં એક રેવન્યૂ તલાટી ‘સિંઘમ’ બનીને યુવકોને ફટકારી રહ્યા હોય તેવો બનાવ સામે આવ્યો છે. આ બનાવ બાદ ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
#Patan રેવ્યૂ તલાટીની દાદાગીરી જુઓ : માસ્કને લઇ યુવકોને ડંડાથી ફટકાર્યાં pic.twitter.com/yxgRXYtBfC
— Banaskantha Update (@bknasamachar) May 10, 2021
હાલ એક વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં શંખેશ્વર તાલુકાના કુંવર ગામ ખાતે એક તલાટી કેટલાક યુવકોને ડંડાથી ફટકારી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે તલાટી ‘સિંઘમ’ બનીને માસ્ક મામલે યુવકોને ડંડાથી ફટાકરે છે.
જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે તલાટીને કોઈને માર મારવાની સત્તા કોણે આપી? રેવન્યૂ તલાટીના આવા વર્તનથી ગામ લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવકોએ માસ્ક પહેર્યું હોવા છતાં રેવન્યૂ તલાટીએ સિંઘમ બનીને યુવકોને ડંડાથી ફટકાર્યા હતા.
આ મામલે ગામના લોકો અને તલાટી દ્વારા અલગ અલગ બચાવ કરવામાં આવ્યો છે. ગામના લોકોનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું હતું. જ્યારે તલાટીનું કહેવું છે કે યુવકોએ માસ્ક પહેર્યું ન હતું. જોકે, અહીં એ વાત પણ નોંધવી રહી કે જો યુવકોએ માસ્ક ન પહેર્યું હોય તો તેમને દંડ ફટકારી શકાયો હોત. પરંતુ રેવન્યૂ તલાટીને યુવકોને માર મારવાની સત્તા કોણે આપી?
From – Banaskantha Update