ડીસા સિવિલમાં ઓક્સિજનની અછત ના હોવાનો દાવો હવે આરોગ્ય અધિકારીઓ માટે જ માથાનો દુઃખાવો બની રહ્યો છે. આ મામલે હવે એક જાગૃત ધારાશાસ્ત્રીએ જુઠા દાવા કરવા મામલે આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરી દીધી છે અને પોલીસ પણ કોઈ કાર્યવાહી ના કરે તો કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પ્રકરણની વિગતો કઇંક એવી છે કે ઓક્સિજનની દેશવ્યાપી અછત વચ્ચે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે તાજેતરમાં જ ડીસા સિવિલમાં 5 બોટલ ઓક્સિજન આપી જરૂર જણાયે વધુ બોટલ પણ સંસ્થાઓના સહયોગથી પુરી પાડવાની તત્પરતા વ્યક્ત કરી હતી.
જોકે આ મામલો મીડિયા તેમજ સોશ્યલ મીડિયામાં ચમકયા બાદ સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ મીડિયાના કેમેરા સામે જ સિવિલમાં ઓક્સિજનની કોઈ અછત હોવાનો ઇન્કાર કરી પૂર્વ પાલિકા પ્રમુખે સસ્તી પ્રસિદ્ધિ માટે અછતની ખોટી વાતો વહેતી કરી તંત્રને નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હોવાના ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા.
જોકે આરોગ્ય અધિકારીઓના આ દાવા બાદ ગણતરીના કલાકોમાં જ સિવિલ સત્તાવાળાઓએ દર્દીઓને બહારથી ઓક્સિજન લાવવાની સહી સિક્કા સાથેની ચિઠ્ઠીઓ પકડાવી દેતા તંત્રના દાવા સામે સવાલો ઉઠ્યા હતા.
દરમ્યાન, ગત 4 મેના રોજ ડીસાના ધારાશાસ્ત્રી નવીનભાઈ વાઘેલાના મિત્ર માટે ઓક્સિજનની જરૂર ઉભી થતા તેમણે ડીસા સિવિલનો સંપર્ક કર્યો હતો. જોકે જવાબદાર અધિકારીઓએ સિવિલમાં ઓક્સિજન ઉપલબ્ધ નથી તેવો પ્રત્યુતર આપતા આ ધારાશાસ્ત્રી અકળાયા અને તેમણે સિવિલમાં પૂરતો ઓક્સિજન ઉપલબ્ધ હોવાનો જૂઠો દાવો કરી દર્દીઓને ગુમરાહ કરવા મામલે આરોગ્ય અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિત રજુઆત કરી દેતા ચકચાર મચી છે.
ઓક્સિજન મામલે વિવાદમાં સંપડાયેલ આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં રજુઆત અંગે અરજદાર ધારાશાસ્ત્રી નવીનભાઈ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે “પોલીસે તપાસ બાદ કાર્યવાહી કરાશે તેવું જણાવ્યું છે પરંતુ જો કોઈ કાર્યવાહી નહિ થાય તો જરૂર પડ્યે કોર્ટના દરવાજા ખખડાવી કાનૂની ખટલો માંડતા પણ નહિ અચકાઉ..!”
From – Banaskantha Update