સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે ત્યારે આવા કપરા સમયમાં લોકોને મદદરૂપ થવા સ્વૈચ્છીક સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓ પણ આગળ આવી રહ્યાં છે.
કોરોનાની આ બીજી લહેરમાં લોકોને શક્ય તમામ મદદ કરવા બનાસકાંઠા કલેકટર આનંદ પટેલના નેતૃત્વમાં જિલ્લા વહિવટી તંત્ર પણ અથાક મહેનત કરી રહ્યું છે. સાથે જ જિલ્લાની અનેક સેવાભાવી સંસ્થાઓ, દાતાઓ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે આગળ આવી રહ્યાં છે.
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ખીમાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નાની સાઇઝની ઓક્શિજન બોટલ હતી. આવા સમયે મુક્તિ તિલક ફાઉન્ડેનના ટ્રસ્ટી સુરેશભાઇ શાહે કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. પિયુષભાઇને ફોન કરી આ વિસ્તારમાં કોરોના દર્દીઓની સારવાર માટે કોઇ મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું હતું.
ર્ડા. પિયુષભાઇએ શિહોરી અને ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્શિજનની બોટલની જરૂરીયાત જણાવતાં મુક્તિ તિલક ફાઉન્ડેશને 40 જમ્બો બોટલ દર્દીઓની સારવાર માટે દાનમાં આપી છે. તેવી જ રીતે મોબાઇલ વાન સાથે લોકોની સેવામાં કાર્યરત રહેતાં ઇરાદા ફાઉન્ડેશનના ટ્રસ્ટી મિહિર શુક્લાએ પણ ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 ઓક્શિજન બોટલ કોરોના સંક્રમિત ગરીબ દર્દીઓની સારવાર માટે આપી છે. આમ કુલ – 60 જમ્બો ઓક્શિજનની બોટલ દાનમાં મળતાં આ વિસ્તારના લોકોને મોટી રાહત થઇ છે તેમ ડીસાના પ્રાંત અધિકારી હિરેન પટેલે જણાવ્યું.
From – Banaskantha Update