કોરોના મહામારી દિવસેને દિવસે તેનો સીકંજો વધારે કસી રહ્યો છે શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોની હાલત પણ દિવસેને દિવસે કફોડી બની રહી છે. બનાસકાંઠાના એક – એક ગામમાં રોજના બહોળી સંખ્યામાં કેસો સામે આવતા હવે ન છૂટકે દર્દીઓએ જ્યાં ને ત્યાં સારવાર લેવા મજબુર બની રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ગામડાઓમાં દર્દીઓ ક્યાંક ઝાડ નીચે તો ક્યાંક શાળામાં, થાંભલે જ્યાં જગ્યા મળે ત્યાં ઓક્સિજન અને દવાના બાટલા લગાવીને સારવાર લઇ રહ્યા છે.
આમ તો સરકાર કોરોના મહામારીમાં પૂરતી સુવિધા અને સારવાર આપતી હોવાની વારંવાર વાતો કરે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના આ દ્રશ્યો સરકારના આ તમામ દાવાઓને પોકળ સાબિત કરી રહ્યા છે. જી હા આવી હાલત બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામની છે આ ગામની જનસંખ્યા અંદાજીત દસ હજાર જેટલી છે પરંતુ ગામમાં હવે એવું કોઈ ઘર બાકી નહીં હોય કે જેના ઘરે કોરોનાએ પગપેસારો ન કર્યો હોય.
અત્યારે શહેરોમાં તમામ હોસ્પિટલો હાઉસફુલ છે. દર્દીઓ માટે ખાટલા નથી ઓક્સીજન નથી અને ઇન્જેક્શન પણ પૂરતા મળતા નથી જેના કારણે ગ્રામીણ વિસ્તારના દર્દીઓને સારવાર લેવા માટે ક્યાં જવું તે પણ એક મોટી સમસ્યા છે.
ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં રોજેરોજ વધતા કોરોના દર્દીઓ માટે ગ્રામજનો જાતે જ સારવારની વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે. ડીસા તાલુકાના આસેડા ગામમાં સરપંચ સહિતની યુવા ટીમે સાથે મળી શાળાની અંદર જ સારવાર માટેની સુવિધા ઊભી કરી છે. અત્યારે આ ગામમાં તેમજ આજુબાજુના 15થી 20 જેટલા ગામના લોકો સારવાર કરવામાં માટે આવે છે અને કોરોના દર્દીઓની સંખ્યા એટલી વધુ વધી રહી છે કે આ શાળાના એક એક રૂમમાં સાત-આઠ ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
આ શાળાના રૂમમાં અને રૂમની બહાર લોબીમાં મેદાનમાં જ્યાં મળે ત્યાં ખાટલા ગોઠવી દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગામનાજ ડો. નિકુલ પટેલ અને દસરથભાઈ બારે જણાવ્યુ હતુ કે ક્યાંય જગ્યા ન મળી એટલે અહીં શાળામાં દાખલ કર્યા છે. આવી સ્થિતિ માત્ર આ એક ગામની જ નથી પરંતુ જુનાડીસા ગામની આવી જ સ્થિતિ છે.
ડીસા તાલુકાના જુનાડીસા ગામ પણ 22 હજારની વસ્તી ધરાવતું ગામ છે અને અહીં પણ કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. દર્દીઓને ક્યાંય જગ્યા ન મળતા આખરે સ્થાનિક ગ્રામજનોએ અને સ્થાનિક સેવા આપનાર ડોક્ટરોએ રોડની બાજુમાં છે જાહેરમાં તંબુ બાંધી દર્દીઓની સેવા કરવાનું શરૂ કર્યું અહીં પણ જોઇ શકાય છે કે ક્યાંય જગ્યા નથી લોકો ઝાડ નીચે સારવાર લઇ રહ્યા છે ઝાડના થડ સાથે ઓક્સિઝનનો બાટલો બાંધી લોકોને અહીં સારવાર આપવામાં આવી રહી છે. 44 ડીગ્રીની તીવ્ર ગરમીના તાપમાનમાં ટેન્ટ નીચે અંદાજિત 60થી 70 જેટલા દર્દીઓએ સારવાર લઇ રહ્યા છે.
From – Banaskantha Update