કોરોના સક્રમણની બીજી લહેરમાં જિલ્લામાં સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો હોમ આઇસોલેશનના બદલે કોવિડ કેર સેન્ટરમાં રહી સારવાર મેળવે અને પોતાના પરિવારને આ ચેપથી બચાવે તે માટે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે લોકોને કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવા બે દિવસ પહેલાં અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા વહીવવટી તંત્ર દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરોમાં કલેકટરની અપીલના પગલે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સારવાર મેળવવા માટે આવી રહ્યાં છે. લોકો ઘરે રહી પોતાના પરિવારમાં કોરોના ન ફેલાવે તે માટે કલેક્ટર દ્વારા કરાયેલ અપીલને જિલ્લામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે.
આ અંગે સૂઇગામ તાલુકા વિકાસ અધિકારી કાજલ આંબલીયાએ જણાવ્યું છે કે કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સૂઇગામ તાલુકાના લોકોને ઘર આંગણે જ કોરોનાની સારવાર મળી રહે તે માટે અમને મળેલ સુચના પ્રમાણે સૂઇગામ આઇ. ટી. આઇ. ના બિલ્ડીંગમાં 60 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં અત્યારે નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતાં 5 બી.એસ.એફ.ના જવાનો અને એક બેણપ ગામના દર્દી સારવાર હેઠળ છે. તેમણે કહ્યું કે, આ કોવિડ કેર સેન્ટરમાં ર્ડાકટરો અને નર્સ સ્ટાફ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવે છે અને દાખલ દર્દીઓનું સમયાંતરે ચેકીંગ તથા સઘન મોનીટરીંગ પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત અહીં સારવાર માટે આવતા લોકો માટે રહેવા – જમવા, નાહવા ધોવા માટે બાથરૂમ – ટોયલેટ અને સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓ પર સતત નજર રાખવામાં આવે છે.
કોઇ દર્દીની સ્થિતિ બગડે તેવા સંજોગોમાં વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પીટલમાં રિફર કરવા માટે એમ્બ્યુલન્સ સહિત તમામ વ્યવસ્થા તૈયાર રાખવામાં આવેલી છે. આ કોવિડ કેર સેન્ટરોના લીધે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે.
From – Banaskantha Update