કોરોના મહામારી દરમ્યાન સારવાર માટે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા માર્કેટયાર્ડ સંચાલિત દવાખાનામાં પ્રાથમિક સારવાર અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે દવા આપવામાં આવી રહી છે.
કોરોના મહામારી દરમ્યાન સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ખૂબ જ સારો હોઇ પ્રાથમિક સારવાર મેળવવા માગતા દર્દીઓ માટે બજાર સમિતિ ડીસાનું રાહત દરનુ દવાખાનું સંકટમોચન સ્વરૂપનું છે.
બજાર સમિતિ ડીસાના ચેરમેન માવજીભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ સમગ્ર સંચાલક મંડળના સુચારૂ આયોજન અને પ્રયત્નોથી ડીસા શહેર અને તાલુકાની જનતાને રાહત દરે દવાઓ અને પ્રાથમિક સારવાર કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ દર્દીઓને મળી રહે તેવું આયોજન કર્યું.
જેમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) ડીસા સંચાલિત કિસાન મેડિકલ સ્ટોર્સમાં કોરોના તેમજ અન્ય રોગોને લગતી જનરીક તેમજ સ્ટાન્ડર્ડ દવાઓ “નહી નફો – નહી નુકશાન” ના ધોરણે જરૂરિયાતના પ્રમાણમાં પુરી પાડવામાં આવે છે.
કિસાન મેડિકલ સ્ટોર્સમાં અન્ય ખાનગી મેડીકલની સરખામણીમાં ઓછા ભાવમાં જરૂરિયાત મુજબની દવાઓ મળતી હોઇ કોરોના મહામારીના સમયમાં દવાઓ ખરીદવા લાઇનો લાગે છે. દર્દીઓને પૂરતા પ્રમાણમાં જરૂરિયાત મુજબની દવાઓ મળી રહે તે માટે સંસ્થાના ચેરમેન માવજીભાઇ દેસાઇના માર્ગદર્શન હેઠળ તેમજ સેક્રેટરી એ.એન.જોષીની સીધી દેખરેખ હેઠળ વ્યવસ્થા કરવામાં આવી.
આ અંગે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી એ.એન.જોષીએ જણાવ્યું હતું કે બજાર સમિતિ ડીસા દ્વારા ડીસા શહેર અને તાલુકાની જનતાને રાહત દરે પ્રાથમિક તબીબી સારવાર મળી રહે તે સારૂ દવાખાનું કાર્યરત છે તેમજ હાલમાં કોરોના મહામારીમાં પુરતી સલામતી હેઠળ ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓને સારી રીતે સારવાર પુરી પાડવામાં આવે છે અને કિસાન મેડિકલ સ્ટોર્સમાંથી રાહત દરે દવાઓ આપવામાં આવી રહી છે.