કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા લોકો હોમ આઇસોલેશનમાં રહી ઘરમાં જ સારવાર લઇ રહ્યાં છે તેવા લોકો ઘરના અન્ય સભ્યોને પણ સંક્રમણ ફેલાવી શકે છે. આ સંક્રમણ ફેલાતું અટકાવવા બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલની માર્ગદર્શન પ્રમાણે જિલ્લા વહીવવટી તંત્ર દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ 10 કોવિડ કેર સેન્ટરો શરૂ કરી 255 બેડની સુવિધા સાથે તેમાં સારવાર લેવા આવતા લોકો માટે રહેવા – જમવા અને સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ કોવિડ કેર સેન્ટરોમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે 10 બેડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંકડી – 10 બેડ, તિરૂપતિ બાલાજી હોસ્પીટલ પાંથાવાડા – 20 બેડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભીલડી – 20 બેડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જડીયા – 15 બેડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખિમાણા – 25 બેડ, કસ્તુરબા ગાંધી વિધાભવન થરા – 35 બેડ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર સૂઇગામ – 10 બેડ, કૃષિ વિધાલય થરાદ – 60 બેડ અને સ્કુલ ઓફ નર્સીંગ પાલનપુર – 50 બેડનો સમાવેશ થાય છે.
આ કોવિડ કેર સેન્ટરોમાં અત્યારે 27 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે અને 228 બેડ ખાલી છે. આ ઉપરાંત ગવર્નમેન્ટ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થરાદ, ગવર્નમેન્ટ સાયન્સ કોલેજ વાવ, ગવર્નમેન્ટ આઇ. ટી. આઇ. સૂઇગામ, મોર્ડન સ્કુલ ભાભર અને વી. કે. વાઘેલા હાઇસ્કુલ સી.એચ.સી.નજીક દિયોદર ખાતે નવા કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવશે અને આગામી એક-બે દિવસમાં શરૂ કરાશે.
આ કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતી વ્યક્તિને અનુભવી ર્ડાક્ટર, નર્સની દેખરેખ હેઠળ પ્રાથમિક સારવાર, પલ્સ ઓક્શિમીટરથી ચેક કરવામાં આવે છે અને દવા આપવામાં આવે છે તથા કોઇ દર્દીની સ્થિતિ બગડે તેવા સંજોગોમાં વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત કોવિડ હેલ્થ સેન્ટર કે કોવિડ હોસ્પીટલમાં મોકલવામાં આવે છે.
જો સંક્રમિત વ્યક્તિ મોડા સારવાર લેવા જાય તો મૃ્ત્યુ થવાની સંભાવના વધી જાય છે એના માટે જ કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. કોવિડ કેર સેન્ટરોમાં પલ્સ ઓક્શિમીટર અને ર્ડાકટરોની દેખરેખ હેઠળ સામાન્ય લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. વધુ સારવાર માટે હોસ્પીટલમાં રિફર કરાય છે એટલે લોકોને મોતના મુખમાંથી બચાવી શકાય છે.
બનાસકાંઠા જિલ્લામાં જે લોકોને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા હોય તેવા લોકો ઘરે હોમ આઇસોલેશનમાં રહેવાના બદલે કોવિડ કેર સેન્ટરમાં આવી સારવાર મેળવે તે માટે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહ્યું છે ત્યારે જિલ્લાભરમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે.
હોમ આઇસોલેશનના કારણે પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત થઇ રહ્યાં છે. એટલે હોમ આઇસોલેશનના બદલે કોવિડ કેર સેન્ટરમાં ભરતી થઇ સારવાર મેળવે તો સંક્રમણને ફેલાતું અટકાવી શકાશે.
તેમણે કહ્યું કે, કોવિડ કેર સેન્ટરમાં ર્ડાક્ટર, સ્ટાફ નર્સ, દવાઓ અને સારવાર આપવામાં આવે છે. આ કોવિડ કેર સેન્ટરમાં હેલ્થની તમામ સમસ્યાઓનું સોલ્યુશન લાવી જરૂર જણાય તો કોવિડ હોસ્પીટલમાં રિફર કરવા માટે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.