હાઈકોર્ટની ઓનલાઇન કઠોર સુનાવણી : આ જર્મની કે લંડન નથી; ઇન્ડિયા છે, અહીં એક દિવસનું જમવાનું જેને ન મળે તેને લોકડાઉન સમજાય

- Advertisement -
Share

હાઈકોર્ટની ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે એવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજનની અછતને લઈને સરકાર પાસે જવાબ માગ્યા હતા. આજે ફરી હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી થઈ હતી.

સરકારને 4 મે સુધી તમામ વ્યવસ્થા સાથે જવાબ રજૂ કરવા માટે કોર્ટે જણાવ્યું છે, જેમાં કમલ ત્રિવેદીએ કહ્યું હતું, અમે રેમડિસિવિર, ઓક્સિજન અને દર્દીઓને ફર્સ્ટ કમ ફર્સ્ટ કમ-આઉટને ધોરણે નહિ, પણ તેમની પરિસ્થિતિ આધારે હોસ્પિટલમાં એડમિટ કરવા માટે સરકારને કહીશું. સાથે હોસ્પિટલની બહાર બેડની અવેબલિટી માટે બોર્ડ લગાવવા માટેની પણ રજૂઆત કરીશું.

સાથે અમદાવાદની બહાર ન લોકોને સારવાર મળે એ માટે પણ ધ્યાન દોરીશું. તો બીજી તરફ હાઇકોર્ટેએ કહ્યું હતું કે તમે વ્યવસ્થા ઊભી કરો, પછી એવું ના કહેતા કે પરિસ્થિતિ ખરાબ છે, અમે પ્રયત્ન કર્યા છે. જરૂર પડે ત્યાં છૂટછાટ ઓછી કરો, પણ દર્દી સારવાર વગર ન રહેવો જોઈએ.

શાલીન મહેતાના લોકડાઉન અંગેની વાત અંગે કોર્ટે કહ્યું હતું કે આ જર્મની કે લંડન નથી, આ ઇન્ડિયા છે અહીં એક દિવસનું જમવાનું જેને ન મળે તેને લોકડાઉન સમજાય, લોકડાઉન વિકલ્પ નથી. જનતાએ જાતે ઘરમાં રહેવું જોઈએ, કેમ વીક લોકો ઘરે ના રહી શકે? તો શાલીન મહેતાએ કહ્યું, જ્યાં લોકો જાતે ઘરમાં રહે ત્યાં ક્યાં સમસ્યા છે, પણ જ્યારે લોકો ના માને તો સરકાર કાયદાનો ઉપયોગ કરે ને લોકડાઉન લાદી શકે છે, જેમાં મહારાષ્ટ્ર ઉત્તમ ઉદાહરણ છે.

હાઈકોર્ટે રેમડેસિવિર ઈન્જેક્શનની સર્જાયેલી તંગી અંગે કહ્યું, દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન પણ ડોઝવાઈઝ આપો. જો કોઈને 2 આપો તો બાકીના 4 આપવા આપણી ફરજ છે, કારણ કે 6 ઈન્જેકશનનો ડોઝ હોય છે. હવે તમે 2 આપીને કહો કે નથી એમ ન ચાલે. હોય તો પૂરા આપો. પૂરતા ડોઝ ન હોય તો આપો જ નહીં. દર્દીના સગા બિચારા ફરીફરીને થાકી જાય છે.

તાત્કાલિક સારવારના દર્દીને 108એ પ્રાથમિકતા આપવા મુદ્દે રાજ્ય સરકારે સોગંદનામામાં કોઈ રજૂઆત ના કરતાં કોર્ટે ટકોર કરી કે હજી પણ હોસ્પિટલ બહાર 40 એમ્બ્યુલન્સ ઊભી રહે છે. દર્દીઓને અટેન્ડ કરવા માટે કોઈને ગોઠવો તો ખબર પડે કે દર્દીને કેવી જરૂરિયાત છે. તમે માત્ર લાઈનો જ કરાવો છો.

કોઈને ઓક્સિજનની જરૂર ન હોય તો તેને કોવિડ કેર સેન્ટરમાં મોકલો, કોઈને ઓક્સિજનની જરૂર હોય તો તેએને પહેલા O2 આપો અને ICUની જરૂરિયાતવાળા દર્દીને તાત્કાલિક દાખલ કરો, પરંતુ કંઈક કરો. આમ લાઈનોમાં બધી કેટેગરીના દર્દીને ઊભા રાખશો તો કેમ મેળ આવશે.

રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિટિકલ દર્દીઓને ના પાડે છે કે અમે એડમિટ નહીં કરીએ, પરંતુ તેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો આપો અથવા તેને ઈન્જેકશન કે દવા આપો. હોસ્પિટલ દર્દીઓને ના કેમ કહી દે છે. દરેક પ્રાઈવેટ હોસ્પિટલની બહાર બોર્ડ લગાવો કે આટલાં બેડ છે આટલાં ભરાયાં છે અને બાકીનાં ખાલી છે, જેથી દર્દી રઝળી ન પડે, બેડ ન હોય તો એ બીજે ઝડપથી જતો રહે. સરકાર આ બાબતે પગલાં લે એ જરૂરી છે. અમે આજની પરિસ્થિતિ અને સરકારની કામગીરીથી ખુશ નથી.

હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો કે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? કેમ હોસ્પિટલમાં દર્દી નથી પહોંચી શકતો? સરકાર શું વ્યવસ્થા કરી રહી છે? 14 દિવસથી હોસ્પિટલ બહાર લાઈનો લાગી છે, અત્યારે પણ આ સ્થિતિ છે, લોકોને કેમ રોડ ઉપર મરવા છોડી દીધા છે?

કમલ ત્રિવેદી: 14 દિવસ પહેલાં અમે હોસ્પિટલમાં સારવાર આપતા હતા, અત્યારે કેસ ડબલ થઈ ગયા છે એટલે એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે છે .
હાઇકોર્ટ: તમારો કહેવાનો મતલબ શું છે? 1 મેએ કેસ વધી ગયા તો? લોકોને સારવાર કેમ આપશો? સરકારે શું તૈયારી કરી છે એનો જવાબ આપો. લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો, લોકો ઘરે સિલિન્ડર લગાવે છે. લાઈનો લાગે છે એનું શું?

કમલ ત્રિવેદી: અમે કોઈને ડાયરેક્ટ સિલિન્ડર લેવાની પરવાનગી નથી આપી. ઓક્સિજન સપ્લાઇ માત્ર હોસ્પિટલમાં જ થાય છે.
હાઈકોર્ટ: તમે પેપર પરની વાત ન કરો ગ્રાઉન્ડ રિયાલિટી જોવો. સિલિન્ડર રિફિલિંગ માટે લાઈનો લાગે છે. તમે શું તૈયારીઓ કરી છે કે નહીં?

જ્યારે શાલીન મહેતાએ કોર્ટમાં રજૂઆત કરી કે રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને એકમાત્ર લોકડાઉન જ ઉપાય છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે, ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડમાં પણ આ જ રીતે લોકડાઉનથી કોરોના પર કાબૂ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનને કારણે કેસ સતત ધટી રહ્યા છે. આજે રાજ્યના દરેક નાગરિક પરેશાન છે ત્યારે 7થી 8 દિવસ લોકો ઘરે રહેશે તો આ ચેન તૂટશે.

અમે એફિડેવિટ રજૂ કર્યું છે. અમે એવું નથી કહેતા કે પરિસ્થિતિ ખૂબ જ સારી છે, પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યમાં અમે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્યમાં ઈન્જેકશન, બેડ, એમ્બ્યુલન્સ, ડોક્ટર અને અન્ય સ્ટાફની અછત છે. અમે એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. 1200 બેડની હોસ્પિટલમાં આવેલા તમામ દર્દીને દાખલ કરીએ છે. લોકો અમદાવાદ બહારથી આવે છે તોપણ દાખલ કરીએ છીએ, સમય એટલે લાગે છે કે બીજા દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય છે અને બધી ફોર્મલિટીસ હોય છે. અમે તમામ લોકોનાં સજેશન સ્વીકારવા તૈયાર છીએ. 108 પણ દર્દીઓને સારવાર મળે એ માટે પૂરતો પ્રયત્ન કરે છે. અમે 15 વાન નવી એડ કરી છે અને બીજી 150 એમ્બ્યુલન્સ 3 દિવસમાં વધારીશું.

કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે PSA ઓક્સિજન પ્લાન્ટની પરમિશન કેન્દ્ર સરકાર આપે છે, રાજ્યમાં 8 પ્લાન્ટ માટે પરમિશન મળી હતી, જેમાં 1ને બ્લેકલિસ્ટ કર્યું છે. 7માંથી 4 પ્લાન્ટ ચાલુ થઈ ગયા છે અને બાકીના 3 પ્લાન્ટ 3 મે એ ચાલુ થઈ જશે. SVP કોવિડ હોસ્પિટલ છે, એટલે VS હોસ્પિટલમાં 150 બેડ સિવાય નોન-કોવિડ દર્દી સારવાર લઈ રહ્યા છે, જરૂર પડશે તો VSને ફુલી કોવિડ હોસ્પિટલ જાહેર કરાશે

અમદાવાદની કેટલીક હોસ્પિટલમાં VVIP લોકો માટે બેડ રિઝર્વ રાખ્યાં છે, એ બાબતની ગંભીરતાથી નોંધ લેવી જોઈએ. તમામ લોકોને સરખી સારવાર મળવી જોઈએ. આશા છે આ બાબતે કોર્ટ કઈ વિચારે. આવી પરિસ્થિતિમાં આ VIP ક્લચર હટવું જોઈએ: પરસી કવિના

આવી પરિસ્થિતિમાં લોકોને હોસ્પિટલમાં બેડ મળતા નથી અને સરકાર નવી હોસ્પિટલમાંના ઉદઘાટન કરે છે, જેમાં 3 લેયર સિક્યોરિટી હોય છે, હોસ્પિટલના અધિકારીઓ હોય છે અને ભીડ થાય છે. તો આનાથી કઈ રીતે ચેન તૂટશે. હજી પણ 1200 બેડની ગાંધીનગરની હોસ્પિટલ બનશે. ત્યારે ગેધરિંગ થશે, ઉદઘાટન થશે. એટલે આ બધું બંધ થાય. ઉદઘાટન કર્યા વગર હોસ્પિટલ ચાલુ થાય એમાં સૌની ભલાઈ છે. મેં ફોટોઝ જોયા છે, જેમાં ડેપ્યુટી સી.એમ. બધી જગ્યાએ હતા. હું કોઈ કોમેન્ટ નથી કરતો પણ આવા કાર્યકમમાં સંક્રમણ વધે એની શક્યતા છે: એડવોકેટ પરસી કવિના

 

 

હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી

* ફક્ત અમદાવાદની વાત કરવાનું બંધ કરો. બધું પેપર પર છે, ગ્રાઉન્ડ પર નહીં: કોર્ટ

* તમે આખા રાજ્યના પ્રતિનિધિ છો, નહિ કે ફક્ત AMCના. બધું કાગળ પર જ છે હકીકતમાં કંઈ નથી: કોર્ટ

* પેશન્ટ કોઈપણ વાહનમાં આવે, દાખલ કરવા જ પડશે: કોર્ટ

* દરેક હોસ્પિટલ બહાર બોર્ડ રાખો. કેટલાં બેડ ખાલી છે, કેટલાં ભરેલાં છે: કોર્ટ

* અમદાવાદ બહારના પેશન્ટને લેતા નથી એવું કેમ ચાલે? કોર્ટ

* સમજણપૂર્વકના નિર્ણયો લીધા હોત તો આવું ન થાય. અત્યારની પરિસ્થિતિમાં અમે બિલકુલ ખુશ નથી: કોર્ટ

* નિયમ પાલનમાં સરકાર અને રાજનેતા બેદરકાર, લોકડાઉન બાબતે તમારો શું મત છે?

* 4 લાખ રેમડેસિવિરની જરૂરિયાત સામે 16 હજાર ઈન્જેક્શન જ મળે છે: સિનિયર એડવોકેટ

* અર્બન સેન્ટરમાં RT-PCR ટેસ્ટ ઓછા થાય એટલે લોકોને GMDC ગ્રાઉન્ડમાં મોકલે છે, જ્યાં ટેસ્ટ ચાર્જબલ છે: એડવોકેટ પરસી કવિના

* લોકોના જીવ બચાવવાની વાત કરી રહ્યા છીએ, મોતના આંકડાની વાત પછી, અત્યારે બ્રેક ધ ચેનની વાત કરો: કોર્ટ

* નિયમ પાલનમાં સરકાર અને રાજનેતા બેદરકાર: પરસી કવિના

* 108 સિવાય હોસ્પિટલમા એડમિશન કેમ નહીં?: અમિત પંચાલ

* પ્રાઇવેટ હોસ્પિટલમાં 50% સરકારી ક્વોટા વધારો, નાગરિકો તકલીફમાં છે, સુપ્રીમ કોર્ટ આધારકાર્ડને માન્ય રાખવાની ના પાડે છે ત્યાં સારવાર માટે ફરજિયાત ન હોવું જોઈએ: આનંદ યાજ્ઞિક

* રાજ્યમાં જરૂરિયાત કરતાં 25 ટકા ઓક્સિજન ઓછો મળી રહ્યો છે: શાલીન મહેતા

* સિવિલ અને યુ.એન. મહેતામાં ખાનગી વાહનમાં આવતા દર્દીઓને એડમિટ કરાય છે, 108 તો ખાલી AMC માટે જ છે: ચીફ જસ્ટિસ

* એસવીપીમાં પથારી વધારી એ જ ઇન્ફ્રાસ્ટ્રકચરને ઉપયોગમાં લેવું જોઇએ: આનંદ યાજ્ઞિક

* ગુજરાતની બધી જ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ: કોર્ટ

 

 

એડવોકેટ શાલીને કહ્યું હતું કે ઝયડ્સની જેમ દરેક હોસ્પિટલમાં PSA પ્લાન્ટ હોવો જોઈએ, જેથી ઓક્સિજનની કમી ન સર્જાય એને તૈયાર કરવામાં 2 સપ્તાહ જેટલો જ સમય લાગે છે, સાથે ગુજરાતમાં ઓક્સિજનની અછત છે ત્યારે આપણે પાડોશી રાજ્યને મદદ કરીએ છીએ, પણ ગુજરાત માટે પણ વિચારવું જોઈએ.

સોગંદનામામાં સરકારે જણાવ્યું હતું કે RT-PCR ટેસ્ટ, રેમડેસિવિર ઈન્જેકશન,ઓક્સિજન, હોસ્પિટલ બેડ વ્યવસ્થા અને ડેશબોર્ડ પર પારદર્શક માહિતીની વ્યવસ્થા કરેલી છે. 30 એપ્રિલ સુધીમાં 1 લાખ બેડ ઉપલબ્ધ કરાવશે, સાથે જ રાજ્યમાં હાલ 79,444 કોવિડ દર્દી માટે બેડ ઉપલબ્ધ હોવાનો દાવો પણ કર્યો છે. કોરોનાની સ્થિતિ માટે ડેશ બોર્ડ ઊભું કર્યું છે, જેમાં એક્ટિવ કેસ, મૃત્યુઆંક, રિકવર દર્દીઓના આંકડા આપવામાં આવ્યા છે. રેમડેસિવિરના ઉપયોગ અંગે લોકોને જાગ્રત કર્યા અને સરકારે રિયલટાઈમ બેડ માહિતી માટે ડેશ બોર્ડ ઊભું કર્યું છે.

ગત સુનાવણીમાં હાઈકોર્ટની બેન્ચે સુનાવણીમાં સરકાર હાલ જે રીતે કોવિડ-19ની સ્થિતિનું સંચાલન કરી રહી છે એની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!