દિયોદર તાલુકાના વડાણા ગામ પાસે સોમવારે બપોરે કાર ચાલકને ઝોકું આવતાં કાર ઝાડ સાથે ટકરાતા કાર હંકારી રહેલા ભાઈ અને બહેનએ ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. પિતાને કોરોનાની સારવારમાં પુત્ર ટેન્શનમાં હોઇ અકસ્માત સર્જાયો હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું.
ભાભર તાલુકાના ઢેકવાડી ગામના ભાઈ-બહેન સોમવારે બપોરના સમયે પોતાની કાર નંબર GJ-27-C-8903 લઈને દિયોદર તરફ આવી રહ્યા હતા. ત્યારે તાલુકાના વડાણા પાસે પાણી પુરવઠાની ઓફીસ સામે કારના ચાલકે ઝોકું આવતા આકસ્મિક રીતે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ હતી.
જેમાં કારમાં સવાર ડીસા ખાતે રહેતા સુધીરભાઈ જ્યંતીભાઈ પુજારા અને અમદાવાદ ખાતે રહેતા અનિતાબેન સુધીરભાઈ પુજારા બંને ભાઈ-બહેનને ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવારજનો રેફરેલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પરિવારજનોના આક્રંદ અને રુદનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. જેમાં પોલીસે બંને ભાઈ-બહેનની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે લાવવામાં આવી હતી. જે અંગે પરિવારજનોએ ફરિયાદ આપતા દિયોદર પોલીસે અકસ્માતનો મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જીવ ગુમાવનાર સુધીરભાઈ પુજારાના પિતા જયંતીલાલ ઢેકવાડી ગામના સરપંચ છે. તેમને કોરોના હોઇ દિયોદર ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહેલ હોઇ ત્રણ દિવસથી સતત ટેન્શન અને રાત્રિ ઉજાગરા હોઇ અકસ્માત સર્જાયો હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું.