ઓક્સિજન લેવલ ઘટતાં પિતાની નજર સામે 13 વર્ષીય દીકરીએ દમ તોડ્યો : પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું

- Advertisement -
Share

ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોસ્ટેબલ શૈલેશભાઈ રાવળની 13 વર્ષીય દીકરી સામાન્ય તાવ બાદ ટાઇફોઇડની બીમારીમાં સપડાતાં અચાનક ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું . ત્યારે ગઈકાલે તાત્કાલિક અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જતી વખતે પિતાની નજર સામે જ દીકરીએ અનંતની વાટ પકડી લેતાં રાવળ પરિવાર તેમજ પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

 

સેક્ટર-21 પોલીસ મથક વિસ્તારના સેક્ટર-23 ચોકીમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શૈલેશભાઈ રાવળના પરિવારમાં પત્ની તેમજ એક દીકરી ખુશી અને એક પુત્ર છે. દીકરી વહાલનો દરિયો હોવાથી તેનો જન્મ થતાં જ રાવળ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. પરિવારમાં દીકરી અવતરતાં ખુશીનો માહોલ આવ્યો હોવાથી શૈલેશભાઈએ તેમની દીકરીનું નામ ખુશી રાખ્યું હતું. ત્યારે ખુશી પણ તેના નામ પ્રમાણે ગુણો ધરાવતી હતી.

હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે પિતા શૈલેશભાઇને પોલીસ ફરજના ભાગરૂપે નોકરીએ જવાનું અચૂક રહેતું હતું. ત્યારે ઉંમર કરતાં વધુ સમજણ ધરાવતી ખુશી તેના પિતાને કોરોનામાં ધ્યાન રાખવા સલાહ પણ આપતી હતી.

જ્યારે દેશસેવા પહેલાં એમ શૈલેશભાઈ પરિવારની ચિંતાઓ વચ્ચે પોતાની ફરજ બખૂબી નિભાવી રહ્યા હતા, પરંતુ કોરોના કોઈનો સગો થતો નથી એ મુજબ આઠમી તારીખે શૈલેશભાઈ પણ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા.

 

 

પોલીસ ફરજ નિભાવતી વખતે કોરોના પણ ઘરે આવી પહોંચતાં પરિવારના સભ્યો થોડાક ચિંતિત થઈ ગયા હતા, પરંતુ આ બધી ચિંતાઓ વચ્ચે ખુશી તેના પિતા શૈલેશભાઇને હિંમત આપતી રહેતી હતી અને પોતાના નાના ભાઈની પણ ખાસ તકેદારી રાખતી હતી.

પરિવારની હૂંફ અને જરૂરી સારવાર મેળવ્યા બાદ શૈલેશભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પરિવારજનોએ રાહતનો દમ લીધો હતો, પરંતુ કુદરત કંઈક અલગ જ રાવળ પરિવાર સાથે કરવાની ફિરાકમાં હતું.

એવામાં 13 વર્ષીય ખુશીને ચાર દિવસ અગાઉ સામાન્ય તાવની અસર શરૂ થઈ હતી, જેથી શૈલેશભાઈ તકેદારીના ભાગરૂપે દીકરીની સારવાર શરૂ કરાવી દીધી હતી અને તેનો કોરોના રિપોર્ટ પણ કરાવી લીધો હતો.

જોકે ખુશીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તાવમાં ખાસ ફરક ન પડતાં તેને માણસાના દવાખાનામાં દાખલ કરી હતી અને તમામ મેડિકલ રિપોર્ટ કરાવતાં ખુશીને ટાઇફોઇડ થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, આથી તેને વધુ સારવાર અર્થે પ્રથમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

 

 

પરંતુ અત્રેની હોસ્પિટલમાં પણ પ્રાથમિક સારવાર કર્યા બાદ તેની તબિયત નાજુક થઇ જતાં સઘન સારવાર માટે તબીબોએ ખુશીને અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.

ત્યારે અમદાવાદ જતી વખતે એમ્બ્યુલન્સમાં ખુશીનું ઓક્સિજન લેવલ અચાનક 61 ઉપર આવી જતાં તેણે પિતા શૈલેશભાઇની નજર સમક્ષ જ અનંતની વાટ પકડી લીધી હતી.

જે દીકરીના કારણે પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો તેના અકાળે અવસાનથી રાવળ પરિવારમાં પળભરમાં જ માતમ છવાઈ ગયો હતો. આ બનાવને પગલે ગાંધીનગર જિલ્લા પોલીસબેડામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!