લગ્નની સિઝન પહેલા જ કોરોનાએ ફરી એકવાર માથું ઉચકતા બનાસકાંઠા જિલ્લાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મોટાભાગના લગ્નના આયોજનો માત્ર પરિવારના સભ્યો સાથે જ પૂર્ણ કરવાના હોઈ મંડપ ડીજે તેમજ કંકોત્રીના વ્યવસાય પર નાની માઠી અસર જોવા મળી રહી છે.
વૈશ્વિક મહામારી એવી કોરોનાની અસર તમામ ધંધા-રોજગાર પણ છે. પરંતુ સીઝનલ ધંધો કરતા વેપારીઓની સ્થિતિ બત્તર છે. બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે લોકડાઉનના કારણે મોટાભાગના લગ્ન આયોજન મોકૂફ રહ્યા. આ વર્ષે સીઝનલ ધંધો કરતાં વેપારીઓને આશા હતી કે લગ્ન અને સામાજિક મેળાવડાનું આયોજન થશે. જેના કારણે ફરી તેમના ધંધા-રોજગાર ધમધમતા થશે.
પરંતુ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધતા સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે લગ્નને સામાજીક પ્રસંગોમાં લોકો એકઠા થઇ શકે તેવી શક્યતા નથી.
જેના કારણે કંકોત્રી મંડપ અને ડીજેના વેપારીઓને માઠી અસર પડી રહી છે. ગત વર્ષની ખોટને ભૂલી નવી શરૂઆત કરી રહ્યા હતા પરંતુ કોરોનાના વધતા સંક્રમણે તમામ આશાઓ પર પાણી ફેરવ્યું છે.
કંકોત્રી અને ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માત્ર લગ્ન સિઝન દરમિયાન જ પોતાના ધંધા કાર્યરત થતાં હોય છે. પરંતુ આ વર્ષે સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે 100થી વધુ લોકો લગ્નમાં એકત્ર થઈ શકે તેમ નથી. જેના કારણે લોકોએ કંકોત્રી છપાવવાનું ટાળ્યું છે.
કંકોત્રીના વ્યવસાયમાં 60થી 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી જ આમંત્રણ આપી રહ્યા છે. જ્યારે ડીજે પણ ઓછા લોકો એકઠા થતા હોવાથી આપેલા ઓર્ડર કેન્સલ થઈ રહ્યા છે.
From – Banaskantha Update