કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે બરાબરની ખખડાવી છે. જેને પગલે સફાળા જાગેલા મુખ્યમંત્રી રૂપાણીએ કેટલાક નિર્ણયો જાહેર કર્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એપ્રિલ – મે મહિનાના તમામ તહેવારો પર પ્રતિબંધ મુકવામાં આવે છે. રાજકીય, સામાજિક, જન્મદિવસ વગેરે તેમજ જાહેરમાં તહેવારની ઉજવણી કરવા દેવાશે નહીં. જ્યારે 14 એપ્રિલથી લગ્નમાં 50 લોકો જ હાજર રહી શકશે. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસમાં 50 ટકા લોકોએ જ કામ કરી શકશે.
મુખ્યમંત્રીએ મંદિરો, મસ્જિદ અને ચર્ચ સહિતના ધાર્મિક સ્થાનો પણ 30 એપ્રિલ સુધી બંધ કરવા અપીલ કરી છે. શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્થાનમાં પ્રત્યક્ષ દર્શન કરવા માટે ન જવા વિનંતિ કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, હાઇકોર્ટમાં સુનાવણી હતી જેમાં સરકાર વતી એડવોકેટ જનરલ હાજર હતા. સરકાર દ્વારા કરાયેલી કામગીરીની માહિતી આપવામા આવી હતી. 14મી એપ્રિલના રોજ સરકારે કામગીરી કરી એની એફિડેવિટ કરવા હાઇકોર્ટે કહ્યું છે.
હાઇકોર્ટે કેટલાક સૂચનો કર્યા છે. દરેક વિભાગના કર્મચારીઓએ કામગીરી કરી છે. કોરોનાગ્રસ્ત બન્યા છે, કેટલાકના મૃત્યુ પણ થયા છે. સરકારે જનતાને તકલીફ ન પડે તેના માટે ખર્ચનો વિચાર કર્યા વગર કામ કર્યું છે.
ડોક્ટરો બિનજરૂરી રેમડેસિવિર ઈન્જેક્શનનું પ્રિસક્રિપ્શન ન લખે એવી મારી વિનંતિ છે. 60 હજાર RTPCR ટેસ્ટ અને 24 કલાકમાં રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી છે.
છેલ્લા 15 દિવસમાં 15 હજાર બેડ ઉભા કર્યા છે. અમદાવાદમાં 11 હજાર બેડ કાર્યરત છે. વીએસ અને એલજી હોસ્પિટલમાં 750 બેડ ઉભા કરીશું. નવી હોસ્પિટલો એક્વાયર કરીને બેડની સંખ્યા વધારાશે. 100 જેટલા ડોમ ઉભા કર્યા છે. રોજ 30000 ટેસ્ટ થાય છે.
હજારો લોકો ટેસ્ટની કામગીરી કરી રહ્યા છે.અમદાવાદમાં 150 ધન્વંતરી રથ છે. 104 અને સંજીવની રથની સંખ્યામાં ઉભા કર્યા છે. અમદાવાદમાં 1500 જેટલા સંજીવની રથ છે.
ગુજરાતમાં નવા કેસો રોજે રોજ નવા રેકોર્ડબ્રેક કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો 6 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6021 નવા કેસ નોંધાયા છે અને 2854 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અમદાવાદ શહેરમાં 20, સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 7, રાજકોટ શહેરમાં 4, રાજકોટ જિલ્લામાં 2, ભરૂચ, બોટાદ, સાબરકાંઠા અને સુરત જિલ્લામાં 1-1 મળી કુલ 55 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે.
From – Banaskantha Update