બનાસકાંઠાના કુવાણા ગામમાં ખેતરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે ચાર વિઘા ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મોટું નુકસાન થયું.
ઉનાળાની શરૂઆત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં શોર્ટ સર્કિટ અને આગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ જાય છે. જેમાં આજે લાખણી તાલુકાના કુવાણા ગામમાં પણ શોર્ટસર્કિટના કારણે એક ખેતરમાં આગ લાગી ગઈ હોવાની ઘટના બની છે.
કુવાણા ગામે રહેતા એક ખેડૂતે પોતાની ચાર વિઘાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું. આ ખેતરમાંથી વિજલાઈન પણ પસાર થાય છે.
તે દરમિયાન આજે બપોરના સમયે અચાનક શોર્ટસર્કિટના કારણે તણખા પડતા ખેતરમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ખેતર માલિક સહિત આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા.
પરંતુ જોત જોતામાં તો આ આગ આખા ખેતરમાં ફેલાઈ જતા મોટાભાગનો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. આકસ્મિક આગ લાગતા ઘઉંનો પાક બળીને ખાખ થઇ જતા ખેતર માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
From – Banaskantha Update