ભારત-ફ્રાન્સની વચ્ચે રાફેલ લડાકુ વિમાન સોદામાં ફરી એકવખત ભ્રષ્ટાચારનું જીન બહાર આવ્યું છે. ફ્રાન્સ ના એક પબ્લિકેશને દાવો કર્યો છે કે રાફેલ બનાવનાર ફ્રાન્સની કંપની દસોલ્ટને ભારતમાં એક વચેટિયાને એક મિલિયન યુરો “ગિફ્ટ” તરીકે આપવા પડ્યા હતા. ફ્રાન્સીસ મીડિયાના આ ખુલાસા બાદ ફરી એકવખત બંને દેશોમાં રાફેલની ડીલને લઇ પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે.
ફ્રાન્સના પબ્લિકેશન “મીડિયાપાર્ટ” એ પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે 2016માં ભારત-ફ્રાન્સની વચ્ચે રાફેલ લડાકુ વિમાનને લઇ સમજૂતી થઇ ત્યારબાદ દસૉલ્ટે ભારતમાં એક વચેટિયાને આ રકમ આપી હતી. 2017ના વર્ષમાં દસૉલ્ટ ગ્રૂપના એકાઉન્ટમાંથી 5,08,925 યુરો “ગિફ્ટ ટુ ક્લાયન્ટસ” તરીકે ટ્રાન્સફર થયા હતા.
આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ફ્રાન્સની એન્ટી કરપ્શન એજન્સી AFAએ દસોલ્ટના ખાતાનું ઓડિટ કર્યું. મીડિયાપાર્ટના રિપોર્ટ પ્રમાણે ખુલાસો થવા પર દસોલ્ટે સ્પષ્ટતામાં કહ્યું હતું કે આ પૈસાનો ઉપયોગ રાફેલ લડાકુ વિમાનના 50 મોટા “મોડલ” બનાવામાં થયો હતો પરંતુ એવા કોઇ મોડલ બન્યા જ નહોતા.
ફ્રાન્સીસ રિપોર્ટનો દાવો છે કે ઓડિટમાં આ વાત સામે આવ્યા પછી પણ એજન્સીએ કોઇ એકશન લીધું નથી, જે ફ્રાન્સના રાજનેતાઓ અને જસ્ટિસ સિસ્ટમની મિલીભગતને પણ દેખાડે છે. વાત એમ છે કે ફ્રાન્સમાં 2018માં એક એજન્સી Parquet National Finacnier એ આ ડીલમાં ગડબડીની વાત કહી હતી ત્યારે ઓડિટ કરાવ્યું અને આ વાત સામે આવી હતી.
જો કે આ તમામ આરોપોને દસૉલ્ટ ગ્રૂપની પાસે કોઇ જવાબ નહોતો અને તેમણે ઑડિટ એજન્સીને જવાબ આપ્યો નહીં. સાથો સાથ દસૉસલ્ટ એ ના કહી શકયું કે આખરે તેને આ ગિફ્ટની રકમ કેવી રીતે અને કેમ અપાઇ હતી. જે ભારતીય કંપનીનું નામ આ રિપોર્ટમાં લેવાયું છે તેનો પહેલાં પણ વિવાદો સાથે સંબંધ રહ્યો છે. રિપોર્ટના મતે કંપનીના માલિક પહેલાં અગસ્તા વેસ્ટલેન્ડ ગોટાળાના કેસમાં જેલ જઇ ચૂકયા છે.
એજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે દસૉલ્ટ ગ્રૂપ દ્વારા “ગિફ્ટ કરાયેલ રકમ” નો બચાવ કરાયો. રિપોર્ટમાં કહેવાયું કે ભારતીય કંપની Defsys Solutionsના ઇનવોઇસથી એ દેખાડ્યું કે જે 50 મોડલ તૈયાર થયા તેની અડધી રકમ તેમણે આપી હતી. દરેક મોડલની કિંમત અંદાજે 20 હજાર યુરોથી વધુ હતી.
જે મીડિયા પબ્લિકેશન મીડિયાપાર્ટે ફ્રાન્સમાં આ ખુલાસો કર્યો છે, તેના રિપોર્ટર યાન ફિલિપને કહ્યું કે ભારત-ફ્રાન્સની વચ્ચે જે રાફેલ ડીલ થઇ છે તેની તપાસ ત્રણ હિસ્સામાં થઇ રહી છે જેમાં આ હજુ પહેલો જ ભાગ છે. જે સૌથી મોટો ખુલાસો છે તે ત્રીજા ભાગમાં કરાશે.
આપને જણાવી દઇએ કે 2016ની સાલમાં ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ લડાકુ વિમાન ખરીદવાની ડીલ કરી હતી. તેમાંથી એક ડઝન વિમાન ભારતને મળી પણ ગયા છે અને 2022 સુધીમાં બધા વિમાન મળી જશે. જ્યારે આ ડીલ થઇ હતી ત્યારે પણ ભારતમાં ઘણો વિવાદ થયો હતો. લોકસભામાં ચૂંટણી પહેલાં રાફેલ લડાકુ વિમાનની ડીલમાં ભ્રષ્ટાચારના મુદ્દા પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાંધ્યું હતું.
From – Banaskantha Update