ભારતમાં કહેર મચાવી રહેલા કોરોનાએ ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો છે. રવિવારના રોજ દેશમાં કોરોનાના 1,03,844 નવા કેસ સામે આવ્યા જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. અમેરિકા બાદ ભારત બીજો દેશ બની ગયો છે જ્યાં એક દિવસમાં કોવિડ-19ના એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. આ દરમ્યાન 477 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સતત 5 દિવસથી 400થી વધુ લોકોના કોરોનાના લીધે પોતાનો જીવ ગુમાવો પડી રહ્યો છે. દેશમાં છેલ્લે કોરોનાના સૌથી વધુ કેસ ગયા વર્ષે 17મી સપ્ટેમ્બરના રોજ આવ્યા હતા જ્યારે એક દિવસમાં કોરોનાના 98795 લાખ કેસ નોંધાયા હતા.
રવિવારના રોજ કોરોના સંક્રમણના એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો હતો. રવિવારે સક્રિય કેસોમાં 50,000 થી વધુનો વધારો થયો હતો, જે એક રેકોર્ડ છે. હવે એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખને વટાવી ગઈ છે, જે ફક્ત ત્રણ દિવસ પહેલા 6 લાખ હતી. ગયા અઠવાડિયે એટલે કે 29 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે કોરોનાના 5,45,325 નવા કેસ નોંધાયા છે. ગયા વર્ષે 28 સપ્ટેમ્બરથી 4 ઑક્ટોબરના અઠવાડિયાથી વધુ છે જ્યારે કોરોનાના 5.5 લાખ નવા કેસ નોંધાયા હતા.
ભારતમાં કોરોના વાયરસના ચેપની બીજી લહેરની શરૂઆત લગભગ 52 દિવસ પહેલા શરૂ થઈ હતી, પરંતુ તેમાં પહેલી લહેરથી પણ વધુ પીક જોવા મળી રહી છે. દૈનિક કેસમાં લગભગ 7 ગણો વધારો થયો. કોરોનાથી થનાર સાપ્તાહિક મૃત્યુના આંકડામાં પણ લગભગ 59 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
મધ્યપ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે તે મહારાષ્ટ્ર અને છત્તીસગઢને અડીને આવેલી તેની સરહદો સીલ કરશે. અહીંથી લોકોની અવરજવર બંધ કરાશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે અમારા પાડોશી રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સ્થિતિ નાજુક છે. અમે મહારાષ્ટ્ર બોર્ડરને સીલ કરી છે અને છત્તીસગઢથી અવર-જવર પર પણ પ્રતિબંધ મૂકાશે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબૂ બની રહ્યું છે. રવિવારના રોજ કોરોનાના એટલા નવા કેસો મહારાષ્ટ્રમાં આવ્યા કે જેને અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 57,074 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધુ છે. રવિવારે મુંબઇમાં પણ સૌથી વધુ એક દિવસના કેસનો રેકોર્ડ બન્યો અને 11,206 નવા કેસ નોંધાયા હતા.
કોરોનાની સ્થિતિ જોતાં બિહારની તમામ શાળાઓ અને કોલેજો 11 એપ્રિલ સુધી બંધ રહેશે. આ નિર્ણય મુખ્યમંત્રી નીતીશ કુમારે અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લીધો હતો. નીતિશે અધિકારીઓને લોકોને મોટી સંખ્યામાં ભીડ ન એકત્ર કરવા સૂચના આપી છે. લગ્ન-જન્મદિવસની પાર્ટીઓમાં લોકોની સંખ્યા ઓછી રહે.
From – Banaskantha Update