બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાંથી આજે ફરી એક વાર ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે. જેમાં સ્મેક હેરોઇન અને ગાડી સહિત કુલ 9.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ થરાદ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે એક મહિલા સહિત ચાર લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરીનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. જેમાં આજે સરહદી વિસ્તાર થરાદ પાસેથી પોલીસે સ્મેક હેરોઇનની હેરાફેરી કરતી મહિલા સહિત ત્રણ લોકોની અટકાયત કરી હોવાની ઘટના સામે આવી છે.
થરાદ પોલીસ આજે થરાદ-સાંચોર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજસ્થાન તરફથી આવી રહેલી એક સફેદ કલરની ડસ્ટર કાર શંકાસ્પદ જણાતા તેને થોભાવી હતી.
બાદમાં આ કારની તલાસી લેતાં તેમાં એક મહિલા સહિત બે પુરુષો સવાર હતા, જેમાં કારચાલકની તલાસી લેતાં તેની પાસેથી 40.87 ગ્રામ જેટલો સ્મેક હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આ અંગે કડક પૂછપરછ કરતા તેણે રાજસ્થાનના સાચોર ખાતે રહેતા રાકેશ વિશ્નોઈ પાસેથી આ ડ્રગ્સ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે સ્મેક હિરોઈનનો જથ્થા સાથે ડસ્ટર કાર સહિત કુલ 9.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ચારેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે અને ડ્રગ્સ આપનાર રાજસ્થાના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
From – Banaskantha Update