ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વાતની માહિતી તેમણે ટ્વીટ કરી આપી છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે ડૉકટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છું. હું ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને પાછો આવી જઇશ. તમે તમામ લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો તેના માટે તમારા બધાનો ધન્યવાદ. આપને જણાવી દઇએ કે તેંડુલકર 27મી માર્ચના રોજ કોરોના સંક્રમિત થયો હતો.
પોતાની ટ્વીટમાં તેંડુલકરે કહ્યું કે આજે આપણા વિશ્વ કપની 10મી વર્ષગાંઠ પર બધા ભારતીયો અને મારા સાથીઓને શુભેચ્છા. આપને જણાવી દઇએ કે આજના દિવસે જ ભારતે 10 વર્ષ પહેલાં 2011માં બીજી વખત વર્લ્ડ કપ ખિતાબ પોતાના કબ્જે કર્યો હતો. 1983 બાદ આ દિવસે બીજી વખત ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે આ ખિતાબ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને સમર્પિત કર્યો હતો. ભારતની આ જીત બાદ આખા દેશમાં જશ્નનો માહોલ હતો.
સચિન એ ટ્વીટમાં લખ્યું કે સતત ટેસ્ટ કરાવતો આવ્યો છું અને કોરોનાથી બચવા માટે તમામ પગલાં ભર્યા. જો કે નજીવા લક્ષણ બાદ આજે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સચિને આગળ લખ્યું કે મેં પોતાને ઘરમાં ક્વારેન્ટીન કરી લીધા છે. ડૉકટર્સના નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. હું એ તમામ સ્વાસ્થયકર્મીઓનો આભાર માનવા માંગું છું જેઓએ મને સાથ આપ્યો. તમે બધા લોકો તમારું ધ્યાન રાખજો.
સચિન તેંડુલકર 27મી માર્ચના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે ટ્વીટ દ્વારા આ માહમતી આપી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું કે પોતાને હોમ ક્વારેન્ટીન કરી લીધા છે. આ સિવાય તે મહામારીથી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડૉકટરની સલાહ પર અમલ કરી રહ્યા છે. સચિનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
From – Banaskantha Update