થરાદ-વાવ તાલુકાના ચાર ગામોના 10 જેટલા ખેડૂતોને એક વર્ષ અગાઉ એક કરોડ સુધીની લોન મંજુર કરી આપવાની લોભામણી લાલચ આપી રૂ.10.87 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઇ. છેતરપિંડી કરનારા શખ્સ સામે પોલીસ મથકે લેખિત અરજી કરાઇ છતાં તપાસ ન થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
થરાદ તાલુકાના જમડા ગામના ખેડૂત ભુરાજી રાજપુતએ જણાવ્યું હતું કે, ‘મારા મોબાઇલ નંબર પર 21 જુલાઈ-2019 ના રોજ ફોન આવતાં સામેવાળી વ્યક્તિએ તેનું નામ મેહુલભાઈ ગૌતમભાઈ બારોટ (રહે. એસ.પી.રોડ વિજોલ અમદાવાદ) હોવાનું જણાવી પચાસ ટકા લેખે સબસીડી મુજબ કરોડ રૂપિયા સુધીની પ્રોજેકટ લોન અપાવી આપવાની વાત કરી લોભામણી લાલચ આપી હતી. 20 લાખની લોન મંજુર કરાવવા પહેલા સાડા સાત ટકા પ્રમાણે મને કમિશન આપવું પડશે. બાકીનું સાડા સાત ટકા રકમ લોન મંજુર થયા બાદ ચૂકવવું પડશે.
પુરાવા ડોક્યુમેન્ટ સાથે રૂ.1,50,000 રકમ આંગડિયા મારફતે મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ જલ્દી લોન માટે 10 ખેડૂતોનું જુથ બનાવો જેમાં જૂથ મુજબ રહેલા તમામ ખેડૂતો લોન બાબતની માંગણી કરી શકશે. જેમાં જલ્દી લોન મંજુર થશે આથી ગામના તેમજ વાવ તાલુકાના ઢીમા, ખીમાણા પાદર, ચંદરડાના મળી દશ જેટલા ખેડૂતોને જૂથમાં સામેલ કરી
તેઓના પણ ડોક્યુમેન્ટ સહિત સાડા સાત ટકા લેખેની કુલ રકમ 10.87 લાખ તેના બેન્ક એકાઉન્ટ તેમજ આંગડિયા મારફતે મોકલાવતાં સામેવાળાએ રકમ લીધા બાદ તેનો મોબાઈલ બંધ કરી દેતાં છેતરપીંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં થરાદ પોલીસ મથકે 11 જાન્યુઆરી-2020ના રોજ લેખિત જાણ કરવામાં આવી હતી.
પરંતુ એક વર્ષનો સમયવીતી ગયો હોવા છતાં પોલીસ દ્વારા કોઈપણ બાબતની કાર્યવાહી નહિ કરવામાં આવતાં મદદનીશ એસ.પી પૂજા યાદવને મૌખિક જાણ કરવામાં આવતાં તેઓએ પણ ભોગ બનનારના જવાબો લઈ પોલીસ મથકે વધુ તપાસ સોંપવામાં આવી હતી.’ આ બાબતે એએસઆઈ રવજીભાઈ ભટ્ટને પૂછતાં જણાવ્યું હતું કે છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારને મંગળવારે પોલીસ મથકે બોલાવવામાં આવ્યો હતો.
From – Banaskantha Update