આજ તા. 1લી એપ્રિલથી સમગ્ર રાજ્યમાં ચોથા તબક્કાના સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના હાથીદ્રા ખાતેથી કલેકટર આનંદ પટેલે તળાવોના કામોનું ખાતમૂર્હત કરી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આજથી બે મહિના સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તળાવો, ચેકડેમો અને જળાશયો ઉંડા કરવાનું કામ વિરાટપાયે કરવામાં આવશે.
આ પ્રસંગે બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારે રસ્તા અને પાણીના કામોને પ્રાથમિકતા આપી આ દિશામાં ખુબ મોટા પ્રમાણમાં કામો કર્યા છે.
તેમણે કહ્યું કે, સૂકા અને રણપ્રદેશ સમાન બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. આજે રાજ્ય સરકારના અથાક પ્રયાસોના પરિણામે જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં નર્મદાના નીરની પધારમણી થવાથી હરીયાળી પથરાઇ છે. ખેડુતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચતા ખેડુતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
કલેકટરએ કહ્યું કે, ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા અને આવનારી પેઢીને પુરતા પ્રમાણમાં જળ પુરૂ પાડવા જળ સંચય કરવુ ખુબ જરૂરી છે એટલે જ રાજયમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમો બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવા માટે વિરાટપાયે સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, ચોમાસામાં પુષ્કલળ વરસાદ પડે તો પણ ઉનાળામાં પાણીની અછત સર્જાય છે તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદનું પાણી દરીયામાં વહી જાય છે અથવા તો રણમાં સમાઇ છે. પાણી જમીનમાં ઉતરી તળ રિચાર્જ થાય તેવી કોઇ જ વ્યવસ્થા ન હોવાથી સરકારએ જળ સંચય અભિયાન શરૂ કર્યું છે.
તેમણે ઉમેર્યુ કે વર્ષ – 2018માં શરૂ કરવામાં આવેલ આ જળ સંચય અભિયાનના ખુબ સારા પરિણામો મળ્યાં છે. તેમણે સમાજના આગેવાનોને આહવાન કરતાં જણાવ્યું કે, સરકારની સાથે સમાજ પણ જળ સંચય અભિયાનની જવાબદારી ઉપાડી આવનારી પેઢીને સમૃધ્ધ જળ સંપત્તિ આપવામાં યશભાગી બને તે સમયની માંગ છે.
તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લો માં અંબાની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા સંતો, મહંતો, તપસ્વીઓ અને આગેવાનો સમાજ સેવા કરી રહ્યા છે ત્યારે જળ સંચયના કામોમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી પ્રકૃતિ સેવાનું ખુબ મોટું કામ કરીએ. તેમણે કહ્યું કે, આજથી શરૂ કરવામાં આવેલ આ જળ સંચય અભિયાન બે મહિના સુધી ચાલવાનું છે ત્યારે આપણા ગામમાં તળાવનું કામ સારી રીતે થાય તેની આપણે પણ તકેદારી રાખીએ.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં સુજલામ – સુફલામ યોજનાના નોડલ ઓફિસર સુભમ ગોહિલે જણાવ્યું કે, જળ સંચય અભિયાન હેઠળ તા. 1 લી એપ્રિલ થી તા. 31 મે એટલે કે સતત બે મહિના સુધી બનાસકાંઠા જિલ્લાજમાં 900 તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામ પૂર્ણ થવાથી લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે તથા જમીનના તળ રિચાર્જ થશે.
From – Banaskantha Update