ઉનાળાની જેમ જેમ શરૂઆત થઈ રહી છે તેમ તેમ બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા પાણીની પરબો મૂકી અને સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસામાં છેલ્લા કેટલાય વર્ષોથી સમર્પણ ગ્રુપ દ્વારા રાહદારીઓ માટે પાણીની પરબો મૂકી સેવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકો હાલ ઘરની બહાર નીકાળવાનું પણ ટાળી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સાત વર્ષથી લોકોને પીવાના પાણી માટે સમર્પણ ગ્રુપ દ્વારા પરબ બનાવવા આવે છે ત્યારે આજે ડીસા તાલુકા પોલીસના પી.આઈ એમ.જે ચૌધરીના હસ્તે પાણીની પરબ ખુલી મુકવામાં આવી હતી.
ડીસાના મામલતદાર કચેરી પાસે જ્યાં લોકોની તેમજ શાળામાં અભ્યાસ કરતા સૌથી વધારે વિદ્યાર્થીઓની અવર-જવર થાય છે ત્યાં ગરમીથી રક્ષણ મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ ચાલુ કરવામાં આવી.
સમર્પણ ગ્રુપ દ્વારા આ સિવાય ગરમીમાં પક્ષીઓને ગરમીથી રક્ષણ મળી રહે તેમજ પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે તે માટે લોકોને પક્ષીઓ માટે કુંડાઓનું પણ વિતરણ કરવામાં આવે છે. આ પ્રસંગે ડીસા પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડો.રીટાબેન પટેલ, આનંદ ચૌધરી તેમજ સમર્પણ સેવા ટ્રસ્ટના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
From – Banaskantha Update