ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બે બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને નેશનલ કક્ષાએ પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે

- Advertisement -
Share

ઘાસના મકાનમાં રહેનારી વિલાસબાએ દોડ ક્ષેત્રે ગુજરાતનું નામ કર્યું છે રોશન, મેળવ્યાં છે અનેક મેડલો

 

ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બે બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને નેશનલ કક્ષાએ પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

મન હોય તો માળવે જવાય તે કહેવતને બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક 16 વર્ષીય વિદ્યાર્થીનિએ સાર્થક કરી બતાવી છે. એકદમ ગરીબ પરિવારમાંથી આવતી આ દિકરીએ 80 મીટર વિઘ્ન દોડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી બે બે વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને નેશનલ કક્ષાએ પણ ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના એક નાનકડા ગામ નાની ભાખરમાં રહેતી વિલાસબા વાઘેલા નામની આ દીકરી ગરીબ પરિવારમાંથી આવે છે. તેનો પરિવાર ખેતમજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. નાની ભાખરથી આગળ નહેર નજીક એક ઘાસના ઝુંપડામાં રહેતી દીકરીના ઘરમાં નથી વીજ કનેકશન કે  નથી પાકી દીવાલ. તો બીજી તરફ આ દિકરી જે સમાજમાંથી આવે છે તે દરબાર સમાજ પણ ખૂબ જ રૂઢિચુસ્ત છે અને આજે પણ મહિલાઓમાં પડદા પ્રથા ચાલુ છે.

જેને કારણે આ સમાજની દીકરીઓ રમતગમત તો દૂર જાહેર કાર્યક્રમોથી પણ દૂર રહેતી હોય છે. ત્યારે આવા વિકટ સંજોગો વચ્ચે પણ વિલાસબાએ પોતાનામાં રહેલી એથ્લેટિક્સ પ્રત્યેની અનોખી પ્રતિભાને પોતાની શાળામાં પ્રદર્શિત કર્યા બાદ  શાળાના શિક્ષકો તેમજ ગામ લોકોનો સહયોગ મેળવી દીકરી તાલુકા કક્ષા,  જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી નૅશનલ ગેમ્સમાં  ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

વિલાસબાને એથ્લેટિક્સ રમતોનું બાળપણથી જ શોખ હતો પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને જોતા  વિલાસબા પોતાની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શકી નહીં પરંતુ તે બાદ શાળામાં  રમાયેલી રમતમાં વિલાસબાએ ભાગ લીધો અને  શાળાના આચાર્યએ જોયું તો વિલાસબામાં શિક્ષણની સાથેસાથે રમતનું સ્તર ઊંચું હોવાનું લાગતાં તેઓએ રમતવીરો પાછળ મહેનત કરવાનું શરુ કર્યું અને તેમાંના એક હતા આ વિલાસબા.

 

 

વિલાસબાની રમત પ્રત્યેની  પ્રતિભાને જોઈ  ઉત્સુક થયેલા આચાર્યોએ વિલાસબાને ગામના નેળીયા અને પર્વતીય વિસ્તારમાં  એથ્લેટિક્સ રમતોનું માર્ગદર્શન આપવાની સાથે પ્રેક્ટિસ શરૂ કરાવી અને આચાર્યના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી વિલાસબા નામની બાળકી  પહેલા તાલુકા કક્ષાએ તે બાદ જીલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજયકક્ષાએ પ્રથમ નંબર મેળવી  મહારાષ્ટ્રમાં યોજાયેલી નેશનલ કક્ષાની  એથ્લેટિક્સમાં ભાગ લીધો અને ત્યાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો.

વિલાસબાએ અત્યાર સુધીમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને અત્યાર સુધી અનેક મેડલ અને સર્ટી મેળવી સમાજનુ જ નહીં પણ ગામ અને જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. ગોલ્ડમેડલિસ્ટ વિલાસબા વાઘેલા એ જણાવ્યું હતું કે, અમારે શાળામા પ્રેક્ટિસ માટે મેદાન ન હતું એટલે હું નેળિયામાંને પહાડી વિસ્તારમાં પ્રેક્ટિસ કરી અહીં સુધી પહોંચી છે , હજુ પણ આગળ જઇ દેશ નું નામ રોશન કરવાની ઈચ્છા છે.

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!