બનાસકાંઠામાં દિન પ્રતિદિન પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તીવ્ર તંગી સર્જાય છે, ત્યારે શેરપુરા ગામના એક જાગૃત ખેડૂતે સરકાર પાસે મદદ મંગાવાને બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરી આ પાણીથી ખેતી કરી શકાય તે માટે સ્વખર્ચે ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
બનાસકાંઠા જિલ્લો હંમેશા પાણીની તંગીનો સામનો કરતો આવ્યો છે અને તેમાંય વળી છેલ્લા કેટલાક વર્ષોથી ઓછા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં સિંચાઈ માટે તો ઠીક પરંતુ પીવાના પાણી માટે પણ લોકોએ દૂર દૂર સુધી ચાલીને પાણી લાવવું પડે છે.
એવામાં ડીસા તાલુકાના શેરપુરા ગામમાં એક જાગૃત ખેડૂતે સરકાર કે કુદરત સામે લાચાર બનીને મદદ માગવાના બદલે ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ ખેતી કરી શકાય તે માટે પોતાના ખેતરમાં ભગીરથ કાર્ય હાથ ધર્યું છે.
શેરપુરા ગામમાં રહેતા અણદાભાઈ જાટ પોતે ખેડૂત છે અને ધુણસોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની શેરપુરા ગામમાં 10 વીઘા જેટલી જમીન આવેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણીના તળ ઉંડા જતા તેઓ પણ સિંચાઈ માટે પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે.
તેવામાં અણદાભાઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર બનવાની વાત યાદ આવી અને બસ સરકાર સામે મદદ માગવાને બદલે કે પછી કુદરત સામે લાચાર બની આજીજી કરવાને બદલે જાતે જ આનો હલ કરવાનું વિચાર્યું.
તેમણે પોતાની જમીનમાં બોર બનાવવાના બદલે પોતાના સ્વખર્ચે ખેત તલાવડી બનાવવાનું વિચાર્યું. આજે તેમણે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી અને ગામના આગેવાનોના હસ્તે ખેતરમાં ખેત તલાવડી બનાવવાનો શુભારંભ કર્યો હતો.
આ અંગે અણદાભાઈ જાટે જણાવ્યું હતું કે, તેમની 10 વીઘા જમીનની અંદર 100X100 અને 20 ફૂટ ઊંડી ખેત તલાવડી બનાવી રહ્યા છે. જેનું કામ અંદાજિત 20થી 25 દિવસ સુધી ચાલશે.
આ ખેત તલાવડી બન્યા બાદ તેમાં 56 લાખ લીટર જેટલુ ચોમાસામાં વેડફાઈ જતા પાણીનો સંગ્રહ થશે અને આ પાણીથી તેઓ 10 વિઘા જમીનમાં પાકને 40 વખત પાણી આપી શકશે એટલે કે આખું વર્ષ આરામથી ખેતી કરી શકાશે. આ ખેત તલાવડી બનાવવાનો ખર્ચ 13થી 14 લાખ રૂપિયા થશે.
ઉલ્લેખનીય છે કે, અત્યારે સામાન્ય નુકસાન થતાં કે ખેત પેદાશોના ભાવ ન મળતાં ખેડૂતો સરકાર સામે સહાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરતા હોય છે, પરંતુ શેરપુરા ગામના અણદાભાઈ જાટ જેવા પ્રગતિશીલ ખેડૂતો આત્મનિર્ભર બનાવા માટે સરકાર સામે મદદ માંગવાને બદલે જાતે જ પોતાના સુજબુજથી અનોખો પ્રયાસ કરતા હોય છે. ત્યારે અણદાભાઈ પટેલનું આ ભગીરથ અને અનોખું કાર્ય આવનાર સમયમાં અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
From – Banaskantha Update