ભૂમધ્ય સાગરને રાતા સાગર સાથે જોડતી 193.3 કિ.મી. લાંબી સુએઝ કેનાલમાં ચીનથી માલ લઈને નેધરલેન્ડ જઈ રહેલું પનામાનું કાર્ગો જહાજ એવર ગિવન ફસાઈ જતાં કેનાલમાં ટ્રાફિકજામ થઈ ગયો છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટથી ઉત્તરે બે લાખ મેટ્રિક ટન વજન, 400 મીટરની લંબાઈ અને 59 મીટરની પહોળાઈ ધરાવતા જહાજે વંટોળ અને ભારે પવનના કારણે નિયંત્રણ ગુમાવતાં ફસાઈ ગયું હતું. 205 મીટર સાંકડી નહેરમાં જહાજ ફસાઈ ગયું હતું. જહાજને બહાર કાઢવા ધક્કા મારવા ટગ બોટ્સને પણ કામે લગાડવામાં આવી હતી. જહાજને કેનાલ બહાર કાઢતાં હજી દિવસો વીતી જશે.
તજજ્ઞાોનું માનવું છે કે રવિવારે કે સોમવારે ભારે ભરતી આવે ત્યાં સુધી પ્રતીક્ષા કરવી પડશે. નિષ્ણાતોનું કહેવું છે કે કેનાલમાં ટ્રાફિકજામ થતાં પ્રતિકલાક 40 કરોડ ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ એવી પણ માહિતી આવી છે કે, જહાજમાં સવાર 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. જાણકારોના મતે જો માટી ખોદીને જહાજ મુક્ત નહીં કરી શકાય તો તમામ કન્ટેનરને ઉતારીને તેને ખસેડવું પડશે.
ડચ જાણકારોના મતે હાલમાં ડિગર્સને કામે લગાડીને જહાજના આગળના ભાગમાં રેતીને ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. આ ખોદકામ પુરજોશમાં ચાલી રહ્યું છે જેથી ભરતી આવે ત્યારે જાહજને ખેંચી શકાય. મોટાપાયે ટગબોટ પણ સજ્જ કરવામાં આવી છે જેથી પાછળની તરફથી જહાજને ખેંચીને સીધું કરી શકાય. હવે ભરતી આવે અને પાણીનું સ્તર વધે તો થોડી રાહત મળશે નહીંતર આ કામમાં વધુ દિવસો લાગી શકે તેમ છે.
આ નહેરને રસ્તો રોજ હજારો નાના મોટા જહાજ એશિયાથી યુરોપ અને યુરોપથી એશિયા અવરજવર કરતા હોય છે. કેનાલ લાંબો સમય બંધ રહેશે તો આ જહાજોને આફ્રિકી ખંડનું ચક્કર કાપીને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડશે. વિશ્વનો 12 ટકા વેપાર આ રસ્તે થતો હોવાથી આ વ્યૂહાત્મક જળમાર્ગ માટે વિશ્વની મહાસત્તાઓ વચ્ચે યુદ્ધો થઈ ચૂક્યાં છે.
ટ્રાફિકજામને કારણે માલસામાનનું પરિવહન અવરોધાતાં સપ્લાય ચેઇન પ્રભાવિત થશે. સુએઝ કેનાલ રૂટ પર રોજ 9.5 અબજ ડોલરના માલનું પરિવહન થતું હોય છે. આ કેનાલથી દરરોજ 12 ટકા જેટલો વૈશ્વિક વ્યાપાર થાય છે અને તેમાંથી 10 ટકા જેટલો તો આઈલ અને ગેસના શિપમેન્ટ જતા હોય છે. ટ્રાફિક ખૂલવામાં બે દિવસનો વિલંબ સર્જાય તો પણ બ્રિટન અને યુરોપમાં સપ્લાય ચેઇનને ખોરવી શકે છે. બુધવારે તેલ અને રસાયણોના ટેન્કર્સ ધરાવતા 185 જેટલા મોટા જહાજો કેનાલ પાર કરવા પ્રતીક્ષા કરી રહ્યા હતા.
સુએઝ કેનાલ દુનિયાની સૌથી મોટી માનવર્સિજત કેનાલ છે. 1859માં આ કેનાલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 10 વર્ષની મહેનત બાદ 17 નવેમ્બર 1869માં જળમાર્ગ તરીકે તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેનાલમાં બાંધકામમાં શરૂઆતમાં ફ્રાન્સ દ્વારા મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રિટન દ્વારા તેના ઉપર પ્રભુત્વ મેળવવા માટે 44 ટકા ભાગ ખરીદી લેવાયો હતો.
તે ઉપરાંત આ પ્રદેશ માટે ભૂતકાળમાં ઘણા યુદ્ધ પણ ખેલાયા છે. 1975માં આ મુદ્દે ઈઝરાયેલ સાથે યુદ્ધ થતાં કેનાલને 8 વર્ષ માટે બંધ કરી દેવાઈ હતી. શરૂઆતમાં કેનાલ 26 ફૂટ ઊંડી અને 72 ફૂટ પહોળી હતી. સમયાંતરે તેની ઊંડાઈ વધારવામાં આવી અને હવે તે દરિયાની સપાટી જેટલી જ ઉંડાઈ ધરાવે છે. તેના કારણે મોટા જહાજો પણ સરળતાથી આવનજાવન કરી શકે છે.
ઈજિપ્ત માટે આ જળમાર્ગ સોનાની મરઘી સમાન છે. આ જળમાર્ગ થકી દર વર્ષે ઈજિપ્તને 6 બિલિયન ડોલરનો ટોલ ટેક્સ પ્રાપ્ત થાય છે. 1869માં શરૂ થયેલી આ કેનાલ ઈજિપ્ત માટે વિદેશી હૂંડિયામણ કમાવાનો ઉમદા માર્ગ છે. સામાન્ય રીતે એશિયા સાથે વ્યાપાર કરવા માટે યુરોપમાંથી પહેલાં જે જહાજો આવતા હતા તે કેપ ઓફ ગુડ હોપના રસ્તે આવતા હતા. ત્યાંથી જ અંગ્રેજો ભારતમાં ઘૂસ્યા હતા. આ રસ્તો 11,300 માઈલનો છે. આ રસ્તે ભારત અને એશિયાના દેશોમાં આવવા માટે 24 દિવસ જેટલો સમય લાગે છે. સુએઝ કેનાલ બન્યા બાદ આ અંતર ઘટીને 6300 માઈલ થઈ ગયું છે અને 14 દિવસમાં પ્રવાસ પૂરો થઈ જાય છે. દર વખતે 5000 માઈલનો પ્રવાસ અને ઈંધણ આ રસ્તે બચી શકે તેમ છે. તેના કારણે મોટાપાયે આર્થિક લાભ પણ થાય છે.
From – Banaskantha Update