ભારત મેચ અને સિરીઝ જીતવા કટિબદ્ધ, સૂર્યકુમારને મળી શકે તક :

- Advertisement -
Share

ઇંગ્લેન્ડ સામે અહીં શુક્રવારે રમાનારી બીજી વન-ડે ઇન્ટરનેશનલ મેચમાં યજમાન ભારતીય ટીમ મેચ અને સિરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. બીજી તરફ સુકાની ઇયોન મોર્ગનનું રમવું શંકાસ્પદ હોવા છતાં ઇંગ્લેન્ડની ટીમ શ્રેણી સરભર કરવાના લક્ષ્યાંક સાથે રમશે. ખેલાડીઓના ફોર્મને જોતાં ભારતનું પલડું ભારે જણાય છે. મધ્યમ હરોળનો બેટ્સમેન શ્રેયસ ઐય્યર ઇજાના કારણે સિરીઝમાંથી બહાર થઇ ગયો હોવાના કારણે યુવા ખેલાડી સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે.

યાદવે ટી20 ક્રિકેટમાં શાનદાર પદાર્પણ કરીને પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે. ભારતની બેન્ચ સ્ટ્રેન્થ એટલી બધી મજબૂત છે કે હવે જે પણ ખેલાડી પદાર્પણ કરે છે તે પણ વર્લ્ડ ચેમ્પિયન ટીમ કરતાં ખતરનાક લાગે છે. પ્લેઇંગ ઇલેવનની પસંદગી સુકાની કોહલી અને કોચ રવિ શાસ્ત્રી માટે મોટી સમસ્યા બની રહી છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ત્રણ મહિનાથી ટીમની બહાર છે પરંતુ ટેસ્ટમાં અક્ષર પટેલ અને વન-ડેમાં કૃણાલ પંડયાએ તેની ખોટ પડવા દીધી નથી. આઇપીએલના કારણે જાણીતા બનેલા પ્રસિદ્ધ ક્રિશ્નાએ વન-ડેમાં પદાર્પણ કરીને 4 વિકેટ ઝડપી હતી. જાડેજા અને બુમરાહના પુનરાગમન બાદ કૃણાલ અથવા ક્રિશ્નામાંથી કોઇ એકને બહાર જવું પડશે.

ઓપનર શિખર ધવન ફોર્મમાં ફરતા ભારતને મોટી રાહત થઇ છે. તેણે પ્રથમ વન-ડેમાં 98 રનની ઇનિંગ રમી હતી. ટી20 સિરીઝમાં બહાર રહ્યા બાદ ધવન ઉપર સતત સારો દેખાવ કરવાનું દબાણ હતું. રોહિતને પ્રથમ મેચમાં કોણીએ ઇજા થઇ હતી પરંતુ તે બીજી મેચમાં રમશે. રોહિતને બ્રેક આપવામાં આવશે તો શુભમન ગિલ બીજા ઓપનર તરીકે ધવન સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરી શકે છે. લોકેશ રાહુલ મધ્યમ હરોળમાં બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગની જવાબદારી પણ અદા કરશે. આ સ્થિતિમાં રિષભ પંત બેટ્સમેન તરીકે ટીમમાં રમશે.

ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐય્યર ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ખભામાં થયેલી ગંભીર ઇજાના કારણે ઇંગ્લેન્ડ સામેની બાકીની બે વન-ડેમાં રમી શકે તેમ નથી અને આ ઉપરાંત તે 9મી એપ્રિલથી રમાનારીઆઇપીએલની 14મી સિઝનને સંપૂર્ણપણે ગુમાવશે. તેને ખભામાં સર્જરી કરાવવી પડશે અને તે ઓછામાં ઓછા 4 મહિના સુધી ક્રિકેટથી દૂર થઇ ગયો છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઐય્યરને સર્જરીની જરૂર છે અને તે પૂરી આઇપીએલ ગુમાવશે. નેટ્સ પર પરત ફરવા તેને લાંબો સમય લાગશે. તેને અસહ્ય દુખાવો થઇ રહ્યો છે. બીજી તરફ ઐય્યરે જણાવ્યું હતું કે હું જલદીથી ધમાકેદાર પુનરાગમન કરીશ.

ચાઇનામેન બોલર કુલદીપ યાદવે પ્રથમ મેચમાં 68 રન આપી દીધા હતા અને તેના સ્થાને બીજી મેચમાં લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને રમાડવામાં આવી શકે છે. ભુવનેશ્વર કુમાર, ક્રિશ્ના અને શાર્દૂલ ઠાકુરની પેસ ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ ઝડપી હતી અને તેઓ આ રિધમને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. શાર્દૂલ સતત રમી રહ્યો હોવાના કારણે તેના સ્થાને નટરાજન કે મોહમ્મદ સિરાજને રમાડવામાં આવી શકે છે. સુકાની કોહલી પણ પોતાના ફોર્મને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પાસેથી પણ મોટી ઇનિંગની આશા રખાશે.

ઇંગ્લિશ ટીમ બીજી મેચ જીતીને શ્રેણી જીતવાના તમામ પ્રયાસ કરશે. મોર્ગન અને બિલિંગ્સની ઇજાઓએ પ્રવાસી ટીમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. બેરિસ્ટો અને જેસન રોયે સારો દેખાવ કર્યો હતો અને વધુ એક વખત તેમની પાસેથી મેચવિનિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવશે. ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડરના બેટ્સમેન અપેક્ષા મુજબનો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બેન સ્ટોક્સ, જોસ બટલર તથા મોઇન અલી માટે મોટી ઇનિંગ રમવાનો સમય પાકી ગયો છે. સ્પિનર રાશિદ અને મોઇન ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શક્યા નથી અને બંનેને એક પણ વિકેટ મળી નહોતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!