ગુજરાતમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. કોરોનાના છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં 1700થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના હોટસ્પોટ બનતા જઇ રહ્યાં છે. આ ઉપરાંત અમદાવાદની અમદાવાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા બે દિવસમાં 22 કેસ નોંધાયા છે. જેથી કેમ્પસને એએમસી દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.
ગુજરાતમાં માત્ર 3 દિવસમાં જ રેકોર્ડ બ્રેક 5160 કેસ નોધાઈ ચુક્યાં છે. જે માર્ચના 24 દિવસમાં નોધાયેલા 22320 કેસમાંથી 23 ટકા કેસ થાય છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો એક વખત 1600ને પાર અને બે વખત 1700ને પાર નોધાયો છે.
IIM અમદાવાદમાં કોરોના સંક્રમણ ફેલાતા ખળભળાટ મચી જવા પામ્યો છે, તંત્ર દોડતું થઈ ગયું છે. છેલ્લા 2 દિવસમાં IIMમાં 22થી વધુ કેસ નોંધાતા અન્ય વધુ વિદ્યાર્થીઓ સંક્રમિત હોઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. IIM અમદાવાદમાં 80 રૂમના 70 વિદ્યાર્થી માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવાઈ ચૂક્યા છે. આજે તમામ લોકોનો કોરોના ટેસ્ટ થશે. આ સાથે જ IIMમાં હજૂ પણ કોરોના સંક્રમણ વધવાની શક્યતા દર્શાવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નવા 1790 કેસ સાથે ગુજરાતમાં બુધવારે સતત ત્રીજા દિવસે કોરોનાના દૈનિક કેસનો નવો રેકોર્ડ સર્જાયો છે. જે દર 4 મિનિટે 5 અને દર કલાકે 75 નવા કેસ નોંધાય છે એમ સુચવે છે. એટલુ જ નહીં બુધવારે કોવિડ-19ના કારણે રાજ્યના 8 નાગરીકોએ જીવ ગુમાવ્યો છે, જે 90 દિવસનો દૈનિક મોતનો સૌથી મોટો આંક છે. આજે મોતને ભેટનારા દર્દીઓની સંખ્યા છેલ્લા 90 દિવસમાં સૌથી વધુ છે. નવા કેસ નોધાતાં ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 8823એ પહોચી ગઈ છે, જે છેલ્લા 76 દિવસમાં સૌથી વધુ દર્દી નોધાયા છે. હાલમાં નાજુક સ્થિતિના કારણે 79 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે, જે પણ ચાર મહિનાનો સૌથી ઊંચો આંક છે.
જોકે ગઈકાલે 76 દિવસમાં એક્ટિવ કેસનો આંકડો સૌથી ટોચ પર ગયો છે. બુધવારે નવા કેસ નોધાતાં ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 2,92,218એ પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં રાજ્યના કુલ 4,466 નાગરીકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 1277 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 2,78,880 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જોકે ગુજરાતનો રિકવરી રેટ ઘટીને અત્યારે 95.45 ટકાએ આવી ગયો છે.
ગત 24મી ડીસેમ્બર, 2020ના રોજ ગુજરાતમાં એક જ દિવસમાં કોવિડ-19ના કારણે 8 દર્દીનો મોત થયાં હતા. એ પછી મોતની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો, છેલ્લે મોતની સંખ્યા ઝીરો સુધી પણ આવી ગઈ હતી. પરંતુ બાદમાં સંક્રમણ વધતાં મોતની સંખ્યા પણ સતત વધવા લાગી છે. સૌથી વધુ 8 દર્દીના મોત નિપજ્યાં છે. બીજી તરફ સારવાર હેઠળના દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા ગત 5 જાન્યુઆરી, 2021ના રોજ ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 8573 નોધાઈ હતી, એ પછી એક્ટિવ કેસની સંખ્યામાં નિરંતર ઘટાડો થયો હતો.
From – Banaskantha Update