ડેબ્યૂ મેચમાં કૃણાલની કમાલ, 4 વિકેટ ઝડપી “પ્રસિદ્ધ” થયો ક્રિશ્ના

- Advertisement -
Share

ટેસ્ટ મેચ અને ટી20 ઇન્ટરનેશનલ સિરીઝમાં વિજય હાંસલ કર્યા બાદ હવે ભારતીય ટીમે વન-ડે શ્રેણીમાં પણ વિજયી પ્રારંભ કરીને પ્રથમ મુકાબલામાં ઇંગ્લેન્ડને કોઈ પણ મુશ્કેલી વિના 66 રનથી પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 5 વિકેટે 317 રનનો જંગી સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની પૂરી ટીમ 42.1 ઓવરમાં 251 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. 2 રન માટે સદી ચૂકેલા શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારતના વિજયમાં બેટ્સમેન અને બોલર્સ બંનેએ યોગદાન આપ્યું હતું. ધવને 98, લોકેશ રાહુલે 62, કૃણાલ પંડયાએ 58 તથા સુકાની કોહલીએ 56 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં પોતાની ડેબ્યૂ મેચ રમનાર પ્રસિદ્ધ ક્રિશ્નાને 54 રનમાં 4, શાર્દુલ ઠાકુરે 37 રનમાં 3 તથા ભુવનેશ્વર કુમારે 30 રનમાં 2 વિકેટ ઝડપી હતી. રનચેઝ કરનાર ઇંગ્લેન્ડની ટીમ માટે ઓપનર બેરિસ્ટોએ હાઇએસ્ટ 94 રન બનાવ્યા હતા.

ભારતીય ઓપનર રોહિત શર્માને બેટિંગ દરમિયાન માર્ક વૂડનો એક બાઉન્સર કોણીમાં વાગ્યો હતો જેના કારણે તેને મેદાનમાં તાત્કાલિક ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી. મેચ બાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. કોણી ઉપર બોલ વાગ્યા બાદ ત્યાંથી બ્લડ પણ બહાર આવ્યું હતું જેના કારણે ટીમના ફિઝિયોએ તે જગ્યાએ સ્પ્રે કરીને બેન્ડેજ બાંધી દીધો હતો. ભારતની ફિલ્ડિંગ દરમિયાન એક બોલ રોકવાના પ્રયાસમાં શ્રેયસ ઐય્યરને ખભામાં ઈજા થઈ હતી અને તેની ઈજા વધારે ગંભીર હોવાના કારણે તેનું બાકીની બંને વન-ડેમાં રમવું શંકાસ્પદ બન્યું છે.

ભારતીય ટીમના વિજયમાં મહત્ત્વનું યોગદાન આપનાર પેસ બોલર પ્રસિદ્ધ ક્રિશ્નાએ 8.1 ઓવરમાં 1 મેઇડન નાખવા ઉપરાંત 54 રનમાં 4 વિકેટ હાંસલ કરી હતી. ભારત તરફથી વન-ડે ક્રિકેટની ડેબ્યૂ મેચમાં આ સર્વશ્રેષ્ઠ સ્પેલ રહ્યો છે.

ભારતીય સુકાની વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં પણ પોતાનું ફોર્મ જારી રાખ્યું હતું અને તેણે 60 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ ઘરઆંગણે પોતાની 195મી ઇનિંગ દરમિયાન કોહલીએ વન-ડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ હાંસલ કર્યો હતો. તેણે પોતાની ધરતી ઉપર સૌથી ઓછી ઇનિંગ્સમાં 10000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી તરીકેની સિદ્ધિ મેળવી હતી. કોહલીએ આ મામલે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ રાખી દીધો હતો. પોન્ટિંગે પોતાના ઘરઆંગણે ઓસ્ટ્રેલિયામાં 219 ઇનિંગ્સમાં 10000 રન પૂરા કર્યા હતા.

હોમગ્રાઉન્ડમાં 10000 રન પૂરા કરનાર ખેલાડીઓમાં સચિન તેંડુલકર (223 ઇનિંગ્સ), મહેલા જયવર્દને (223), કુમાર સંગાકારા (229) તથા જેક કાલિસનો (236) સમાવેશ થાય છે.

કોહલીએ ઇંગ્લેન્ડ સામે પોતાની કારકિર્દીમાં 27મી વખત 50 કે તેથી વધારે રનની ઇનિંગ રમી છે. આ મામલે તેણે રાહુલ દ્રવિડને પાછળ રાખી દીધો હતો જેણે 26 વખત 50 પ્લસની ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ સામે 50 પ્લસની ઇનિંગ રમવાના મામલે સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે જેણે 32 વખત આ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ 24 વખત ઇંગ્લેન્ડ સામે 50 પ્લસની ઇનિંગ રમી હતી.

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં નર્વસ નાઇન્ટીનો શિકાર બનેલા શિખર ધવને સિક્સર દ્વારા અડધી સદી પૂરી કરી હતી અને આ સાથે તેણે ડાબોડી બેટ્સમેન તરીકે એશિયામાં 5000 રન પૂરા કર્યા હતા. એશિયામાં ડાબોડી બેટ્સમેન તરીકે હાઇએસ્ટ રન સૌરવ ગાંગુલીના નામે નોંધાયેલા છે, જેણે પોતાની ક્રિકેટ કારકિર્દીમા 10,589 રન બનાવ્યા હતા. આ મામલે યુવરાજ 7954 રન સાથે બીજા ક્રમે છે. ગંભીરે 7327 અને સુરેશ રૈનાએ 5027 રન બનાવ્યા છે.

ધવને અડધી સદીના મામલે વીરેન્દ્ર સેહવાગના રેકોર્ડને સરભર કર્યો હતો. ધવને ઓપનર તરીકે 48 વખત 50 કે તેથી વધારે રનની ઇનિંગ રમી છે. સેહવાગે પણ 48 વખત 50 પ્લસ રન નોંધાવ્યા હતા. ઓપનર તરીકે ગાંગુલી 77 તથા રોહિત શર્મા 58 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આ મામલે સચિન તેંડુલકર હાઇએસ્ટ 120 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.

વન-ડે ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનાર કૃણાલ પંડયાએ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 31 બોલમાં કુલ અણનમ 58 રન બનાવીને ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 26 બોલમાં અડધી સદી પૂરી કરી હતી જે ભારતીય બેટ્સમેન દ્વારા પ્રથમ મેચમાં નોંધાવેલી ફાસ્ટેસ્ટ અડધી સદી છે. આ પહેલાં 2006માં રોબિન ઉથપ્પાએ ડેબ્યૂ વન-ડેમાં અડધી સદી ફટકારી હતી. 1974માં અજિત વાડેકરે ડેબ્યૂ વન-ડેમાં અડધી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો હતો.

 

From – Banaskantha Update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!