મર્કલે કહ્યું હતું કે કોરોનાનાં કેસની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હોસ્પિટલોમાં બેડ ફટાફટ ભરાઈ રહી છે. હોસ્પિટલો કોરોનાનાં દર્દીઓથી ભરચક થઈ રહી છે. મર્કલ દ્વારા જુદાજુદા પ્રાંતનાં વડાઓ સાથે વાતચીત કરીને લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. સાંસ્કૃતિક અને રમતગમતનાં સ્ટેડિયમો સહિત 18 એપ્રિલ સુધી લોકડાઉન ચાલુ રહેશે. દરમિયાન અમેરિકામાં દર્દીઓની સંખ્યા 3.05 કરોડને પાર કરીને 3,05,80,899 થઈ છે. જો કે 5,56,015 લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 45748 કેસ નોંધાયા છે અને 636 લોકોએ જીવ ગુમાવ્યો છે.
જર્મનીનાં કોરોના ઝડપથી વકરી રહ્યો છે. આને ધ્યાનમાં લઈને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું હતું કે અમે નવી મહામારીમાં પ્રવેશ્યા છીએ. આખા જર્મનીમાં 1થી 5 એપ્રિલ 5 દિવસનું કડકમાં કડક ઈસ્ટર લોકડાઉન લાદવામાં આવ્યું છે. આ ગાળામાં લોકોએ ઘરમાં જ રહેવું પડશે. યુરોપમાં એક તરફ એસ્ટ્રાઝેનેકા વેક્સિનની નિકાસનો વિવાદ સર્જાયો છે ત્યારે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે.
WHOનાં નિષ્ણાત અધિકારી મારિયા વાન કેર્ખોવેએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાથી થતા મૃત્યુનાં પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે. સાઉથ ઈસ્ટ એશિઆમાં કન્ફર્મડ કેસમાં 49 ટકાનો અને વેસ્ટર્ન પેસિફિકમાં 29 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને ફિલિપાઈન્સમાં કેસોની સંખ્યા વધી છે. WHOનાં 6 રિજિયનમાંથી 4 રિજિયનમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા અઠવાડીયે કેસોમાં 8 ટકાનો અને યુરોપનાં દેશોમાં 12 ટકાનો વધારો થયો હતો.
ઈંગ્લેન્ડમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે અને સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. જે લોકો કોઈ નક્કર કારણો વિના વિદેશોમાં રજાઓ માણવા જશે તેમને 5000 પાઉન્ડનો દંડ થશે. નવો નિયમ આવતા અઠવાડિયાથી અમલમાં આવશે. 17 મે પહેલા કોઈ વ્યક્તિ રજાઓ માણવા વિદેશ જઈ શકશે નહીં. જો કે ત્યાં ઘરમાં રહેવાનાં નિયમનો સોમવારે અંત આવી ગયો છે
આખા વિશ્વમાં સઘન સારવાર પછી 10 કરોડ કરતા વધુ લોકો સાજા થયા છે. જેનો આંકડો 10,03, 85, 317 થયો છે. કોરોનાનાં કુલ દર્દીઓની સંખ્યા 12.44 કરોડને પાર કરીને 12,44,39,094 થઈ છે. જો કે 27,38,205 લોકો કોરોનાનો ભોગ બન્યા છે. હોસ્પિટલોમાં કે ઘરે સારવાર લઈ રહેલા સક્રિય દર્દીઓની સંખ્યા 2,13,15,572 થઈ છે. છેલ્લા 24 કલાકમાં નવા 4,07,529 કેસ નોંધાયા છે.