પાટણ જિલ્લામાં એક ધ્રુણાસ્પદ બનાવ બન્યો. ત્રણ જેટલા નરાધમોએ શિક્ષણનું ધામ એવી પ્રાથમિક સ્કૂલમાં એક કિશોરી પર સામુહિક દુષ્કર્મ આચર્યું. આ મામલે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં નરાધમોએ દુષ્કર્મનો વીડિયો પણ ઉતાર્યો હતો. એટલું જ નહીં, કિશોરી બીજી વખત તાબે ન થતાં આ વીડિયો વાયરલ પણ કરી દીધો હતો. આ બનાવ એક મહિના પહેલા બન્યો હતો પરંતુ વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય નરાધમોનો ભાંડો ફૂટી ગયો હતો.
પાટણના સાંતલપુર તાલુકા ખાતે સામુહિક દુષ્કર્મનો બનાવ બન્યો. સાંતલપુર તાલુકાની પ્રાથમિક શાળામાં સામુહિક દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. ફરિયાદ પ્રમાણે ત્રણ જેટલા નરધમો એક કિશોરીને છરીની અણીએ પ્રાથમિક શાળામાં લઈ ગયા હતા.
અહીં શાળાની એક ઓરડીમાં કિશોરી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ એક મહિના પહેલા બન્યો હતો. દુષ્કર્મ ગુજાર્યા બાદ આ વાત કોઈને ન કહેવા માટે ધમકી આપી હતી.
એક વખત હવસ સંતોષ્યા બાદ નરાધમોએ કિશોરીને ફરીથી મળવા માટે બોલાવી હતી. જોકે, આ વખતે કિશોરી તેમના તાબે થઈ ન હતી. જે બાદમાં આરોપીઓએ પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું તે વખતે બનાવેલો વીડિયો વાયરલ કરી દીધો હતો. કિશોરી તાબે ન થતાં નરાધમોએ પહેલા તેણીને બદનામ કરવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જોકે, કિશોરી ન માનતા ત્રણેયએ વીડિયો વાયરલ કરી દીધો હતો.
વીડિયો વાયરલ થયા બાદ કિશોરીના ભાઈને આ ઘટના અંગે જાણ થઈ હતી. જે બાદમાં તેણે બહેનની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બહેન તેની સાથે બનેલી હેવાનિયત અંગે માહિતી આપી હતી. જે બાદમાં કિશોરીના પરિવારે આ મામલે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને ત્રણેય નરાધમોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી.
From – Banaskantha Update