નોટબંધી બાદ લોકડાઉનના કારણે બજારમાં ભયંકર આર્થિક મંદી પ્રવર્તે છે. તેથી હર કોઈ લોકો નાણાંની ભીડ અનુભવે છે ત્યારે ઇકો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા જુનાડીસાના યુવકે ગાડીમાંથી મળેલ સોનાના દાગીના ભરેલું પર્સ (પાકીટ) મૂળ માલિકને પરત આપી માનવતા અને પ્રમાણિકતાની જ્યોત જલતી રાખી છે.
બજારમાં મહામંદી પ્રવર્તી રહી છે તેથી દરેક લોકો નાણાં ભીડ ભોગવે છે. જેની આડમાં ચિલઝડપ, છળકપટ જેવી ગુનાખોરી વધતી જાય છે તેમજ સમાજના નૈતિક અધોપતન વચ્ચે પણ પારકા ધનને પથ્થર ગણતા ઘણાં વિરલા પ્રમાણિકતાની જ્યોતને અકબંધ જાળવી રાખે છે. જેની વધુ એક ઘટનામાં ગુરૂવારે ડીસા શહેરમાં જોવા મળી હતી.
ડીસા તાલુકાના જુનાડીસા ગામના વતની અને ઇકો ગાડી ચલાવતા ઇમરાનખાન નજીરખાન ધાસુરા દરરોજ ડીસા – પાલનપુર ગાડી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારે તેમની ગાડીમાં મોટા ગામથી ડીસા જવા માટે બેઠેલા પેસેન્જર ચેનજીભાઈ બાબુભાઈ ઠાકોર (રહે. કુંભલમેર, તા. પાલનપુર) ભૂલથી સોનાની વીંટી સહિત દાગીના ભરેલ પર્સ ઇકો ગાડીમાં ભૂલી ગયા હતા.
જે પર્સ ઉપર નજર પડતા જ ડ્રાઇવર ઈમરાનખાન ઘાસુરાએ પળનોય વિલંબ કર્યા વિના પેસેન્જરની શોધખોળ હાથ ધરી હતી અને અંદાજે 10 થી 12 હજારના દાગીના ભરેલ પર્સ મુળ મલિકને પરત કરી દીધું હતું. ભાવવિભોર બનેલ પર્સ મલિકે ઇકો ગાડીના ડ્રાઈવરનો આભાર વ્યક્ત કર્યો હતો.
From – Banaskantha Update