વડગામ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરતી બે દિકરીઓએ ગોળાફેંક અને દોડમાં રાષ્ટ્રિય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીયકક્ષાએ મેડલ જીતીને રાજ્ય અને દેશનું નામ રોશન કરીને ડંકો વગાડ્યો છે. પાલનપુરના સામઢી મોટાવાસ ગામની નેહા હરગોવનભાઈ પરમાર અને વડગામ તાલુકાના વરસડા ગામની હિરલ ગોવિંદભાઈ ચૌધરી કે જેઓ હાલમાં વડગામની આર્ટ્સ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.
આ બંને દીકરીઓ નેપાળના પોખરા ખાતે 6 થી 10મી માર્ચ ખાતે આયોજિત 8 એશિયન દેશોની યોજાયેલ ટુર્નામેન્ટમાં નેહા પરમારે ગોળાફેંકમાં ગોલ્ડ મેડલ તેમજ હિરલ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું. ત્યારે સામઢી મોટાવાસ ખાતે રોહિત સમાજના યુવાઓએ બુધવારે બંને દીકરીઓને ગામમાં ખુલ્લી જીપમાં બેસાડી ભવ્ય વરઘોડો કાઢ્યો હતો.
બાદમાં યોજાયેલા સન્માન કાર્યક્રમમાં થરાદના મહિલા ડીવાયએસપી પૂજા યાદવ અને પાલનપુર પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવાના હસ્તે અગ્રણીઓ તેમજ દલિત સમાજની હાજરીમાં સન્માનિત કરાઈ હતી.
From – Banaskantha Update