અમેરિકાનું સૌથી મોટું ક્રિપ્ટોકરન્સી એક્સ્ચેન્જ કોઇનબેઝ ગ્લોબલ ઇન્ક અમેરિકન શેરબજારમાં લિસ્ટિંગ માટે આયોજન કરી રહ્યું છે ત્યારે કંપની માટેના તાજેતરના ખાનગી બજારના સોદાઓ કંપનીના મૂલ્યને 68 અબજ ડોલર પર મૂકે છે તેમ કંપનીએ જણાવ્યું હતું. આંખો પહોળી કરી નાખતું વેલ્યૂએશન દર્શાવે છે કે ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં ઉછાળા સાથે કોઇનબેઝનું મૂલ્ય પણ ઊંચકાયું છે.
ડેટા પ્લેટફોર્મ પિચબૂક કહે છે કે કેટલાક મહિનાની અંદર કંપનીના મૂલ્યમાં લગભગ 13 ગણો ઉછાળો નોંધાયો છે. ઓક્ટોબર 2018માં પ્રાઇવેટ ફંડ રેઇઝિંગ દરમિયાન કોઇનબેઝનું મૂલ્ય 8 અબજ ડોલર મૂકવામાં આવ્યું હતું. કોઇનબેઝના મૂલ્યમાં ન્યૂયોર્ક સ્ટોક એક્સ્ચેન્જની પેરન્ટ કંપની ઇન્ટરનેશનલ એક્સ્ચેન્જ ઇન્ક, નાસ્ડેક ઇન્ક અને લંડન સ્ટોક એક્સ્ચેન્જના ર્ગિભત મૂલ્યનો પણ સમાવેશ થાય છે.
કોઇનબેઝના લેટેસ્ટ વેલ્યૂએશનની તેની આવક સાથે સરખામણી કરીએ તો 2020ની આવકના લગભગ 53 ગણું વેલ્યૂએશન છે અને સરખામણી કરીએ આઈસીઈ હાલમાં 10.67ના પ્રાઇસ ટુ સેલ રેશિયો પર ટ્રેડ થઇ રહ્યું છે. કોઇનબેઝ દ્વારા કરવામાં આવેલ લેટેસ્ટ ફાઇલિંગ તેના વધેલા વિશ્વાસનો પણ સંકેત કરે છે કે તેના લિસ્ટિંગને નિયમનકારો દ્વારા મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે આ કંપની 100 કરતાં વધારે દેશોમાં 4.3 કરોડથી વધારે યૂઝર્સ ધરાવે છે.
નિયમનકારી ફાઇલિંગમાં કોઇનબેઝે જણાવ્યું હતું કે, 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 15 માર્ચ સુધીમાં પ્રાઇવેટ માર્કેટમાં તેના શેરમાં સરેરાશ 343.58 ડોલરની કિંમત પર સોદા નોંધાયા હતા. 30 સપ્ટેમ્બર, 2020 સુધીના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન કોઇનબેઝના શેરની સરેરાશ કિંમત 28.83 ડોલર હતી અને કંપનીનું કુલ વેલ્યૂએશન 5.3 અબજ ડોલર નોંધાયું હતું.
2020માં કંપનીની આવકની સામે લગભગ 53 ગણું વેલ્યૂએશન
From – Banaskantha Update