સ્ટાર ફૂટબોલર લાયોનલ મેસ્સીએ નોંધાવેલા બે ગોલની મદદથી બાર્સેલોનાએ લા લીગા ફૂટબોલ ચેમ્પિયનશિપમાં હુએસ્કાને 4-1થી પરાજય આપ્યો હતો. બાર્સેલોનાએ આ વિજય સાથે તેની અને ટોચના ક્રમે રહેલી એટ્લેટિકો મેડ્રિડ વચ્ચેના પોઇન્ટનું અંતર ઓછું કરી દીધું હતું. બાર્સેલોનાના 27 મેચમાં 59 પોઇન્ટ થયા છે અને એટ્લેટિકો મેડ્રિડના 27 મેચમાં 63 પોઇન્ટ હોવાના કારણે બંને ટીમો વચ્ચેના પોઇન્ટનું અંતર હવે માત્ર ચારનું રહી ગયું છે.
બાર્સેલોના માટે મેસ્સીએ 13મી મિનિટે ગોલ કરીને પ્રારંભિક લીડ અપાવી હતી. પ્રથમ હાફ પૂરો થવામાં કેટલીક મિનિટો બાકી હતી ત્યારે ગ્રિઝમેને ૩૫મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-0 નો કર્યો હતો. બીજા હાફની શરૂઆતમાં હુએસ્કાએ વળતો પ્રહાર કર્યો હતો અને રાફા મીરના શાનદાર ગોલ વડે સ્કોરનું અંતર 2-1નું કરી દીધું હતું. ત્યારબાદ બાર્સેલોના માટે ઓસ્કર મિનગુએઝાએ 53મી મિનિટે ગોલ કરીને સ્કોર 3-1નો કર્યો હતો.
મેચમાં લીડ મેળવ્યા બાદ બાર્સેલોના સામે સરસાઇને જાળવી રાખવાનું દબાણ હતું અને બીજી તરફ હુએસ્કાએ વધારે આક્રમક રમત દાખવીને સ્કોર ઓછો કરવાના પ્રયાસ કર્યા હતા. મેસ્સીએ 90મી મિનિટે વધુ એક ગોલ કરીને બાર્સેલોનાને 4-1થી આગળ કરી દીધું હતું અને ત્યારબાદ હુએસ્કા કોઇ ગોલ નોંધાવી શક્યું નહોતું અને બાર્સેલોનાનો વિજય નિશ્ચિત થઇ ગયો હતો.
From – Banaskantha Update