આજનો બુધવાર ભાજપ માટે માઠો સાબિત થયો છે. આજે એક જ દિવસમાં તેના વર્તમાન અને પૂર્વ એમ 2 સાંસદોના મોત થયા છે. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી સાંસદ રામસ્વરૂપ શર્માનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં રાજધાની દિલ્હીમાંથી તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યું છે. તો ભાજપના પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાના કારણે નિધન થયું છે.
હિમાચલ પ્રદેશના મંડીથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામસ્વરૂપ શર્માનું શંકાસ્પદ મોત થયું છે. દિલ્હી સ્થિત તેમના નિવાસે તેમનું મોત થયું છે. તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે. દિલ્હી સ્થિત આરએમએલ હોસ્પિટલ પાસે જ એક ફ્લેટમાં હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું છે. તેમના આ ઘરેથી જ તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, તેમના આપઘાતનું કારણ હજુ જાણવા નથી મળ્યું.
સાંસદ રામસ્વરૂપ શર્માએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી છે. જયારે અન્ય પૂર્વ સાંસદ દિલીપ ગાંધીનું કોરોનાને કારણે નિધન થયું છે. સાંસદોના નિધનના કારણે આજે યોજાનારી ભાજપની સંસદીય દળની બેઠક ટાળી દેવામાં આવી છે.
દિલ્હી પોલીસને ભાજપ સાંસદ રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું હતું કે, આજે સવારે જયારે તેઓ તેમનો રૂમ ખોલવા ગયા તો રૂમ અંદરથી બંધ હતો. વારંવાર બૂમો પાડવા છતાં તેમણે દરવાજો ન ખોલતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના આવ્યા બાદ દરવાજો તોડવામાં આવ્યો. આ દરમ્યાન સાંસદનો મૃતદેહ પંખે લટકતો રહ્યો. ભાજપે સાંસદ રામસ્વરૂપ શર્માના નિધનને કારણે આજે થનારી પક્ષની સંસદીય દળની બેઠક પણ રદ્દ કરી દીધી છે.
બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા દિલીપ ગાંધીનું પણ નિધન થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ તેમને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ ગાંધી 69 વર્ષના હતા. તેઓ અહમદનગર લોકસભા મતવિસ્તારના સાંસદ રહી ચુક્યા હતા. તેમણે આજે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આમ ભાજપને એક જ દિવસમાં 2 મોટા ફટકા પડ્યા છે.
From – Banaskantha Update