સનાતન વૈદિક હિન્દુ પરમ ધર્મ સંસદ 1008 એ વિશ્વભરમાં સનાતની હિન્દુજનોના પ્રશ્નોને વિશ્વસ્તર ઉપર વાચા આપતી હિન્દુઓના સર્વોચ્ચ ધર્માચાર્ય જગદગુરુ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત સંસ્થા છે. ધર્મ વિષયક નિર્ણય લઈ શાસ્ત્રીય પ્રતિપાદન દ્વારા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે કટિબદ્ધ એક પ્રકારે સંસદની ગરિમા મુજબ ની આ પરમધર્મ સંસદ છે.
જેમાં પ્રત્યેક સંસદીય ક્ષેત્રમાથી ધર્માંસદોની નિયુક્તિ કરાઇ છે. તેવા સમગ્ર દેશમાંથી 544 પ્રતિનિધિઓ ઉપરાંત 281 ધર્મવિષયના તજજ્ઞ અને દેશની ચાર પીઠોમાંથી, ચાર ધામમાંથી, 12 જ્યોતિર્લિગમાંથી, 51 શક્તિ પીઠમાંથી, 5 વૈષ્ણવાચાર્યમાંથી, તમામ વૈદિક સંપ્રદાયો અને બિનહિન્દુ સંપ્રદાયના પ્રતિનિધિઓ તેમજ રાષ્ટ્રીય કક્ષાની તમામ રાજનૈતિક પાર્ટીઓમાંથી પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત વિદેશમાં જ્યાં હિન્દુ વસે છે તેવા દેશોમાં થી પણ એક-એક પ્રતિનિધિ મળીને કુલ 1008 પ્રતિનિધિઓની આ સભાના પરમારાધ્ય પરમધર્માધીશ પુજ્યપાદ જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિજી મહારાજ છે તેમજ પ્રવર ધર્માધીશ પુજ્યપાદ સ્વામી: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજ છે. તેઓની નિશ્રામાં સનાતન ધર્મના પડકારો, પ્રશ્નો, વિચારો, પ્રકાશનો અને ધર્મ સંબંધી તમામ મોરચાઓનું સફળ સંચાલન થાય તે માટે 108 ભિન્ન-ભિન્ન સેવાલયોની સ્થાપના કરવામાં આવી છે.
આગળના તબક્કામાં રાજ્ય સ્તર ઉપર વિધાનસભાની તર્જ ઉપર એક પરમધર્મ સભાનું ગઠન પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવનાર છે અને તે રીતે ગુજરાત રાજ્યમાં 182 ધર્મધાયકોની નિયુક્તિ કરવામાં આવનાર છે.
જેના અનુસંધાને ગુજરાત બનાસકાંઠાના ધર્માંસદ કિશોર દવે (શાસ્ત્રી) દ્વારા બનાસકાંઠામાં 7 વિધાનસભાઓના પ્રતિનિધિ અર્થાત ધર્માધાયકોની નિયુક્તિની આજ રોજ ઘોષણા કરવામાં આવી છે. જેમાં…
(1) ડીસા – ગંગારામભાઈ પોપટ (એડ્વોકેટ)
(2) વાવ – મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ
(3) થરાદ – હસમુખભાઈ સોની
(4) દિયોદર – બિપિનભાઈ દવે
(5) ધાનેરા – ત્રયંબકભાઈ શાસ્ત્રી
(6) પાલનપુર – નિર્મલાબેન ખત્રી
(7) દાંતા – મહેશભાઈ પટેલ ની નિયુક્તિ કરવામાં આવેલ છે.
તમામ નવનિયુક્ત ધર્માધાયકો વિવિધ વિષયના જાણકાર અને સમાજના અગ્રણીઓ છે. તેઓ પોતપોતાના વિધાનસભાના ક્ષેત્રમાં સનાતન ધર્મ અંગે જાગૃતિનું કામ કરશે તેમજ સનાતન ધર્મ સામેના પડકારોને વાચા આપવા ધર્મ સંબંધી પ્રશ્નોને વિવિધ માધ્યમોથી પ્રસારિત કરશે.
આગામી જૂન મહિનામાં રાજ્યના 26 ધર્માંસદો અને 182 ધર્માધાયકોની ગુજરાત પરમધર્મ સભાનું અધિવેશન પ્રવર ધર્માધિશ સ્વામી: અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિજી મહારાજની ઉપસ્થિતિમાં ગુજરાત ખાતે મળશે જેમાં અનેક સંતો મહંતો અને વિદ્વાનો પણ ઉપસ્થિત રહેશે.
From – Banaskantha Update